વડોદરા મહાનગરપાલિકાના 3833.49 કરોડ રૂપિયાના વ્યાપ ધરાવતાં ડ્રાફટ બજેટને સ્થાયી સમિતિએ મંજુરીની મ્હોર મારી છે હવે આ ડ્રાફટ બજેટને અંતિમ મંજુરી માટે સામાન્ય સભામાં રજુ કરવામાં આવશે..
વડોદરા મહાનગર પાલિકાના વર્ષ 2022-23ના વર્ષ માટેના ડ્રાફટ બજેટને સ્થાયી સમિતિએ મંજુરીની મ્હોર મારી છે. વડોદરાના મ્યુનિસિપલ કમિશ્નર શાલિની અગ્રવાલ નાણામંત્રીની જેમ સુટેકેશમાં ડ્રાફટ બજેટની કોપી લઇને મહાનગરપાલિકાની કચેરીમાં આવ્યાં હતાં. તેમની સાથે સ્થાયી સમિતિના અધ્યક્ષ ડૉ. હિતેન્દ્ર પટેલ પણ હતાં. નગરપાલિકાના સભાખંડમાં સ્થાયી સમિતિના સભ્યોની હાજરીમાં બજેટની કોપી રજુ કરવામાં આવી ત્યારે ગોળ ખવડાવી એકબીજાના મો મીઠા કરાવવામાં આવ્યાં હતાં.
મહાનગરપાલિકાના ડ્રાફટ બજેટની વાત કરવામાં આવે તો આગામી વર્ષ માટે વેરાના દરમાં કોઇ વધારો કરવામાં આવ્યો નથી મતલબ કે વડોદરાવાસીઓએ હાલમાં વેરાની જે રકમ ભરે છે તે જ ભરવાની રહેશે તેમાં કોઇ પણ પ્રકારનો વધારો ન કરાતાં લોકોને રાહત મળશે. સ્થાયી સમિતિના ચેરમેન ડૉ. હિતેન્દ્ર પટેલે આવક અને જાવકનું સરવૈયુ સમજાવ્યું...
વડોદરા મહાનગરપાલિકાના બજેટમાં આરોગ્ય તથા માળખાકીય સુવિધાઓ પર ભાર મુકવામાં આવ્યો છે. કોરોનાની સ્થિતિને ધ્યાનમાં રાખી આરોગ્ય વિભાગ માટે પુરતી રકમની ફાળવણી કરાય છે. આ ઉપરાંત વડોદરા શહેરની આગવી ઓળખ સમાન પોળોના રક્ષણ માટે પણ નાણાકીય ભંડોળ ફાળવવામાં આવ્યું છે. આગામી દિવસોમાં વડોદરાવાસીઓને નવા ફાયર સ્ટેશન તેમજ આર્ટ ગેલેરી સહિતના અનેક પ્રોજેકટની ભેટ મળવા જઇ રહી છે.
મ્યુનિસિપલ કમિશ્નર શાલિની અગ્રવાલે ડ્રાફટ બજેટને સ્થાયી સમિતિ સમક્ષ રજુ કર્યું હતું. સ્થાયી સમિતિએ બજેટને મંજુર કરી દેતાં હવે આ બજેટને અંતિમ મંજુરી માટે સામાન્યસભામાં મુકવામાં આવશે.