Connect Gujarat
વડોદરા 

વડોદરા : મનપાના ગોડાઉનમાં ડસ્ટબિનનો જથ્થો ખાઈ રહ્યો છે "ધૂળ", પોલ ખુલતા સગેવગે કરવા મનપાનો પ્રયાસ

સૂકો-લીલો કચરો ભરવા પાલિકાએ ખરીદી કચરાપેટી, તમામ કચરાપેટી હાલ ધૂળ ખાતી હોવાનો ભાંડો ફૂટ્યો

વડોદરા : મનપાના ગોડાઉનમાં ડસ્ટબિનનો જથ્થો ખાઈ રહ્યો છે ધૂળ, પોલ ખુલતા સગેવગે કરવા મનપાનો પ્રયાસ
X

વડોદરા કોર્પોરેશન દ્વારા સૂકો અને લીલો કચરો ભરવા માટે છેલ્લા 5 વર્ષથી કચરાપેટીની ખરીદી કરવામાં આવી છે. પરંતુ આ કચરાપેટી હાલ ધૂળ ખાતી હોવાનું સામે આવતા પાલિકા દ્વારા તમામ કચરાપેટીને સગેવગે કરવામાં આવતી હોવાનો ભાંડો ફૂટ્યો હતો.

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશને આજથી પાંચ-છ વર્ષ પહેલાં સૂકો અને લીલો કચરો ભરવા માટે "સ્વચ્છ વડોદરા, સુંદર વડોદરા"ના નામે ડોલ જેવી ડસ્ટબીનો ખરીદી હતી. આ ડસ્ટબીનોના વિતરણમાં પણ કોર્પોરેશનના તંત્રની પોલ ખુલી ગઈ હતી. સેકડો લોકોને ડસ્ટબીનો મળી ન હતી. આ ડસ્ટબીનોમાંથી મોટો જથ્થો નાગરવાડામાં કોર્પોરેશનના ગોડાઉનમાં ડસ્ટ ખાઈ રહ્યો છે. આજથી પાંચ-છ વર્ષ પહેલા કોર્પોરેશન દ્વારા એવી જાહેરાત કરવામાં આવી હતી કે, વેરાનું બિલ ભરે તે સાથે બિલની પાવતી બતાવતા ડસ્ટબિન પણ કરદાતાને આપવામાં આવશે. પરંતુ આ રીતે બાકી રાખી મૂકેલી અને હજારોની સંખ્યામાં પડી રહેલી ડસ્ટબીનો કોર્પોરેશને લોકોને આપી દેવી જોઈએ. કારણ કે, ધૂળ ખાતી પડી રહેલી આ ડસ્ટબિન ડોલ જતે દિવસે ભંગાર બની જશે. તો બીજી તરફ, સરકાર દ્વારા તાજેતરમાં હાથ ધરવામાં આવેલા સ્વરછ સર્વેક્ષણમાં વડોદરાનો 14માં ક્રમાંક આવ્યો હતો, ત્યારે સામાજિક કાર્યકરે ડોલ ખરીદીમાં કૌભાંડ થયું હોવાનો પણ સવાલ ઉઠાવ્યો હતો.

અગાઉ કોર્પોરેશન દ્વારા આશરે 5 લાખ ડોલની ખરીદી કરવામાં આવી હતી. જે તે સમયે આ ડોલ ખરીદી ત્યારે પણ વિતરણ કરવામાં આવતું ન હતું, અને ગોડાઉનમાં રાખી મુકવામાં આવતી હતી. જેના કારણે હોબાળો મચ્યો હતો. એક વોર્ડ ઓફિસે જઈને લોકોએ કોંગ્રેસના નેતાની આગેવાનીમાં ડોલ ભરેલા ગોડાઉનની તાળાબંધી પણ કરી હતી. કોર્પોરેશને લાખોના ખર્ચે ખરીદી કરેલી ડસ્ટબિન ડોલ લોકોને ઘરે ઘરે આપવાની પણ જાહેરાત કરી હતી. હાલમાં સ્વચ્છ ભારત મિશન અંતર્ગત કોર્પોરેશન સફાઈ અને સ્વચ્છતા પર ભાર મૂકી રહ્યું છે, ત્યારે છેલ્લા 6 વર્ષથી પડી રહેલી ડોલ લોકોને આપી દેવી જોઈએ તેવી માગણી કરી સામાજિક કાર્યકરે ગોડાઉનમાં જઈને ડોલનો જથ્થો પડી રહેલો શોધી કાઢતા તંત્ર દ્વારા ટ્રેક્ટરમાં ડોલો ભરીને સગેવગે કરવામાં આવી રહ્યું હોવાનું બહાર આવ્યું હતું. જોકે, કોર્પોરેશને પર્યાવરણને ધ્યાનમાં રાખીને સ્વચ્છતાની કામગીરી માટે અગાઉ ઇ-રીક્ષાઓની પણ ખરીદી કરી હતી. જેમાં 40થી વધુ રિક્ષાઓ ગોડાઉનમાં ધૂળ ખાતી જોવા મળી હતી. સ્વચ્છતા માટેની કામગીરીમાં કોર્પોરેશન તંત્રની આ પ્રકારની બેદરકારી હોવાથી સ્વચ્છતા સ્પર્ધામાં તેનો નંબર પાછળ ધકેલાયો છે.

Next Story