વડોદરા શહેરના મેયર કેયુર રોકડિયા અને મ્યુનિસિપલ કમિશનરની વુડાના મકાનોમાં આકસ્મિક મુલાકાત શહેરભરમાં ટીકાને પાત્ર થઇ રહી છે. આવાસોમાં ભાડે રહેતા પરિવારોને નોટિસ આપી છાતી ફૂલાવતાં મેયરે આવાસમાં રહેતા ગરીબ પરિવારોને હલકી ગુણવત્તાના બાંધકામ કરતાં જીવના જોખમે રહેવાનો વારો આવ્યો છે.
વડોદરા શહેરમાં વિકાસના નામે દેખાડો કરવાની હોડમાં નેતાઓ વાસ્તવિકતાથી વિમુખ થઇ રહ્યાં છે. તાજેતરમાં વડોદરાના મેયર કેયુર રોકડિયા અને મ્યુનિસિપલ કમિશનર શાલિની અગ્રવાલે આજવા રોડ સ્થિત વુડાના આવાસોની આકસ્મિક મુલાકાત લીધી હતી. જેમાં કેટલાક મકાનોમાં રહેતા પરિવાર ભાડેથી રહેતા હોવાનું પ્રકાશમાં આવ્યું હતું. સરકારે રહેવા માટે આપેલા મકાનો ભાડે આપનારા મકાન માલિકો સામે કાર્યવાહી થવી જ જોઇએ પરંતુ મેયરની આ આકસ્મિક મુલાકાત શહેરભરમાં ટીકાને પાત્ર થઇ રહી હતી. વર્ષ ૨૦૧૦માં મકાનો ફાળવાયા ત્યારબાદ અહીં ઊભી થયેલી પ્રાથમિક સુવિધાઓની સમસ્યાઓ પ્રત્યે કોઇનું ધ્યાન જતું નથી. માત્ર દસ વર્ષમાં ઘરમાં સ્લેબમાંથી પોપડા પડે છે. સ્લેબના સળિયા દેખાય છે. ચોમાસામાં પાણી ટપકે છે અને પાણીના ધાંધીયા છે. આવી વિકટ પરિસ્થિતિમાં લોકોએ ઘણી ફરિયાદો કરી છે. મકાનોની હાલત દિન-પ્રતિદિન જર્જરિત થતી જાય છે. ટૂંકમાં મેયર અને કમિશનર વુડાના મકાનોની મુલાકાત લઇ નિયમ વિરૂદ્ધ મકાન ભાડે આપનાર મકાન માલિકને નોટિસ ફટકારી એ સરાહનીય છે પરંતુ આ જ મકાનોની દુર્દશાને કારણે ભયના ઓથા હેઠળ જીવતાં પરિવારોની વેદના સામે આંખ આડા કાન કર્યા જે ચર્ચાનો વિષય બન્યો છે.