Connect Gujarat
વડોદરા 

વડોદરા : નવાબજારમાં કાપડની 3 દુકાનોમાં લાગી ભીષણ આગ, ફાયર બ્રિગેડે આગને કાબુમાં લીધી, કોઇ જાનહાની નહીં...

વડોદરા શહેરના ચાંપાનેર દરવાજા નજીક નવાબજારમાં કાપડની ત્રણ દુકાનોમાં ભીષણ આગ ફાટી નીકળી હતી.

X

વડોદરા શહેરના ચાંપાનેર દરવાજા નજીક નવાબજારમાં કાપડની ત્રણ દુકાનોમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. આગ લાગતાની સાથે જ ફાયર બ્રિગેડના જવાનો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લીધી હતી.

વડોદરાની મધ્યમાં આવેલા નવાબજારમાં કાપડ, હાર્ડવેર, ખેતીના ઓજારો સહિત વિવિધ ચિજવસ્તુઓની દુકાનોની દુકાનો-શોરૂમો આવેલા છે. નવાબજાર ચણીયા ચોળી માટેનું પણ મોટું બજાર છે. નવરાત્રીમાં આ બજારમાં અભૂતપૂર્વ ધસારો રહે છે. તેવા આ નવાબજારમાં ચાંપાનેર દરવાજા તરફથી અંદર જવાના કોર્નર ઉપર કાપડની દુકાનો આવેલી છે. જે દુકાનો પૈકી શંખેશ્વર ટ્રેડીંગ કંપની, શ્રી ગણેશ રેડીમેડ સ્ટોર અને શ્રી મણીભાઇ દયાભાઇ નામની કપડાંની ત્રણ દુકાનોમાં આગ ફાટી નીકળતા બજારમાં અફરા-તફરી મચી ગઇ હતી. નવાબજારમાં કાપડની ત્રણ દુકાનોમાં આગ ફાટી નીકળતાજ દાંડિયા બજાર, પાણીગેટ અને વડીવાડી ફાયર સ્ટેશનના લાશ્કરો દોડી ગયા હતા. અને પાણીમારો શરૂ કરી દીધો હતો. બીજી બાજુ આ બનાવની જાણ વીજ કંપનીને કરવામાં આવતા વીજ કંપનીની ટીમ પણ સ્થળ પર પહોંચી ગઇ હતી.

સાવચેતીના ભાગરૂપે સમગ્ર વિસ્તારનો વીજ પુરવઠો બંધી કરી દીધો હતો. તે સાથે પોલીસ કાફલો પણ સ્થળ પર દોડી ગયો હતો. નવાબજારમાં આગ લાગતાજ બજારના વેપારીઓ, કર્મચારીઓ સહિત આસપાસમાં આવેલી પોળોના લોકોના ટોળેટોળા ઘટના સ્થળે ઉમટી પડ્યા હતા. લોકોના ટોળેટોળા ઉમટી પડતા પોલીસ દ્વારા કામગીરીમાં અડચણ ઉભી ન થાય તે માટે ટોળાને સલામત સ્થળે ખસેડી દેવામાં આવ્યો હતો. ઉપરાંત ચાંપાનેરથી નવાબજારમાં જવાનો તેમજ અમદાવાદી પોળ તરફથી નવાબજારમાં જવાનો ઉપરાંત નવાબજારમાં જવાના તમામ રસ્તાઓ વાહન ચાલકો માટે બંધ કરી દેવામાં આવ્યા હતા. નવાબજારમાં કાપડની 3 દુકાનોમાં આગ લાગી હોઇ, અને આગ મોટી હોવાના કારણે ફાયર ઓફિસર પાર્થ બ્રહ્ણભટ્ટ પણ સ્થળ પર દોડી ગયા હતા. અને લાશ્કરોને જરૂરી સુચના આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, કાપડની 3 દુકાનમાં આગ લાગી છે. આગ ઉપર કાબુ મેળવી લેવામાં આવ્યો છે. કોઇ જાનહાની થઇ નથી. આગ વધુ પ્રસરે તે પહેલાંજ આગ ઉપર કાબુ મેળવી લેવામાં આવ્યો છે. આગ લાગવાનું ચોક્કસ કારણ જાણવા મળ્યું નથી. તપાસ બાદ ખબર પડશે. આગને કાબુમાં લેવા માટે દાંડિયાબજાર, પાણીગેટ અને વડીવાડી ફાયર સ્ટેશનના સ્ટાફને બોલાવી લેવામાં આવ્યો હતો. નવાબજારમાં કાપડની ત્રણ દુકાનમાં ભીષણ આગ ફાટી નીકળી હોવાના સમાચાર મળતા જ નવનિયુક્ત મેયર પણ દોડી ગયા હતા.

Next Story