/connect-gujarat/media/post_banners/afeba3e3277ccbac8a6da3a125189e282d38fefc284f7321956ef7a21d184d80.webp)
વડોદરા શહેરની મધ્યમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદીના કોતરોમાં આજે ભિષણ આગ ફાટી નીકળી હતી. આગના ધુમાડાઓ 3થી 4 કિમી દૂર સુધી દેખાયા હતા. આગ કાશીબા ચિલ્ડ્રન હોસ્પિટલ સુધી પહોંચી ગઈ હતી અને ઝાડીઓનો સળગતો કચરો ઉડીને હોસ્પિટલની છત ઉપર પડતા હોસ્પિટલમાં દોડધામ મચી ગઈ હતી અને હોસ્પિટલનો સ્ટાફ અને દર્દીઓના સગા બહાર દોડી આવ્યા હતા અને બાળ દર્દીઓને તુરંત સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા હતા.
વડોદરા ફાયર બ્રિગેડને જાણ કરી હતી અને ફાયર બ્રિગેડની ટીમો સ્થળ ઉપર પહોંચી ગઈ હતી. જો કે, વિશ્વામિત્રીના કોતરોમાં આગ લાગી હોવાથી આગ સતત ફેલાઈ રહી હતી. જેથી ફાયર બ્રિગેડની ટીમને પણ આગ પર કાબૂ મેળવવામાં ભારે મુશ્કેલી પડી હતી. જે સ્થળે આગ લાગી, ત્યાંથી નજીકમાં જ કાશીબા ચિલ્ડ્રન હોસ્પિટલ આવેલી હોવાથી દર્દીઓ અને તેમના સગાઓના શ્વાસ અદ્ધર થઇ ગયા હતા.
કાશીબા ચિલ્ડ્રન હોસ્પિટલની છત પર ઝાડીઓનો સળગતો કચરો જઈને પડ્યો હતો. જેથી હોસ્પિટલમાં સારવાર લઇ રહેલા બાળ દર્દીઓમાં ગભરાટ ફેલાઈ ગયો હતો. જો કે, તમામ બાળ દર્દીઓને તુરંત જ હોસ્પિટલની બહાર સુરક્ષિત સ્થળે લઇ જવાયા હતા અને હોસ્પિટલનો સ્ટાફ અને દર્દીઓના સગાઓ પણ હોસ્પિટલની બહાર દોડી આવ્યા હતા. સદનસીબે આગની આ દુર્ઘટનામાં જાનહાની ટળી ગઈ હતી. જો કે, લોકોના શ્વાસ અદ્ધર થઇ ગયા હતા.