Top
Connect Gujarat

વડોદરા : આફ્રિકન ઠગ ટોળકીના 5 સાગરીતો ઝડપાયા, વેપારી સાથે કરી હતી રૂ. 19.35 લાખની ઓનલાઇન છેતરપિંડી

વડોદરા : આફ્રિકન ઠગ ટોળકીના 5 સાગરીતો ઝડપાયા, વેપારી સાથે કરી હતી રૂ. 19.35 લાખની ઓનલાઇન છેતરપિંડી
X

વડોદરાના વેપારીને સીપીયુ સ્ક્રેપ વેચવાના બહાને, સ્ક્રેપના ઇન્સ્યોરન્સ કરાવવા અને લોજિસ્ટીક કંપની સાથે થયેલ સેટલમેન્ટના કોટેડ યુ.એસ.ડી. ડોલર ક્લિન કરાવવા તેમજ કાનપુર ખાતે કસ્ટમ અધિકારી સાથે સેટલમેન્ટ કરાવવાના બહારે રૂપિયા 19.35 લાખની ઓનલાઇન છેતરપિંડી કરનાર આંતરરાષ્ટ્રીય આફ્રિકન ટોળકીના પાંચ સાગરીતોને સાઇબર ક્રાઇમે દિલ્હીથી ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી છે.

ડી.સી.પી. ક્રાઇમના જયદીપસિંહ જાડેજાએ માહિતી આપતા જણાવ્યું હતું કે, તા. 4 જુલાઇ 2021ના રોજ વડોદરાના લક્ષ્મીપુરા રોડ ઉપર આવેલી ક્રિષ્ણા રેસિડેન્સીમાં રહેતા અને એક્સપોર્ટ-ઇન્પોર્ટનો બિઝનેશ કરતા રાજેશ પટેલે સ્ક્રેપના બહાને 19,35,002 રૂપિયાની ઓનલાઇન છેતરપિંડીની ફરિયાદ સાઇબર ક્રાઇમમાં નોંધાવી હતી. જે ફરિયાદના આધારે સાઇબર ક્રાઇમ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી હતી. સાઇબર ક્રાઇમને તપાસ દરમ્યાન છેતરપિંડી કરનાર ટોળકી દિલ્હી હોવાની માહિતી મળી હતી. જે માહિતીના આધારે સાઇબર ક્રાઇમના પી.આઇ. એન.કે.વ્યાસ, પી.એસ.આઇ. કે.સી.રાઠોડની ટીમને દિલ્હી રવાના કરવામાં આવી હતી, ત્યારે દિલ્હી ગયેલી ટીમે ટેકનિકલ, સાઇન્ટીફીક તથા હ્યુમન ઇન્ટેલિજન્ટ શોર્સની મદદથી આફ્રિકન ટોળકીના બેન્જામીન કોવુઆકૌ નાડ્રી, કપટુ એમાટુરીન મારી અને કિટ્ટી જેક્સ દેવાલોઇની ધરપકડ કરી હતી. ઝડપાયેલ ટોળકીના ત્રણેય સાગરીતોને કોર્ટમાં રજૂ કરી 14 દિવસના રિમાન્ડ મેળવી તેઓની ઘનિષ્ઠ પૂછપરછ કરવામાં આવી હતી. જેમાં તેઓએ તેમના અન્ય 2 સાગરીતો માર્ટીન કોપેરે ડીમોયુ અને એલ હાડજી મહામને તૌઉરેના નામ આપતા દિલ્હી રોકાયેલી સાઇબર ક્રાઇમની ટીમે તેઓને દબોચી લઇ વડોદરા લઇ આવ્યા હતા. તેઓ પાસેથી પોલીસે વડોદરાના વેપારીને છતરવા માટે બતાવેલા 100 ડોલર, (બ્લેક કોટેડ), તથા બનાવટી ડોલર્સ, 18 મોબાઇલ ફોન, બે લેપટોપ, બનાવટી યુ.એસ.ડી. 100 ડોલરની નોટોના 14 બંડલ, બ્લેક કાગળોનું બંડલ, સફેદ કાગળોનું બંડલ સહિતનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.

સમગ્ર મામલે ડી.સી.પી. જયદીપસિંહ જાડેજાએ વધુમાં જણાવ્યું હતું કે, આ ટોળકી ખરીદ-વેચાણ કરવાના બહાને અથવા ઇન્સ્યોરન્સ પોલિસી આપવાના બહાને, કોટેડ યુ.એસ.ડી. ડોલર ક્લિન કરવા જેવા જુદા-જુદા બહાને સોશિયલ મિડીયા ઉપર લોભામણી વાતચિત કરીને વેપારીઓ તેમજ સામાન્ય વ્યક્તિઓને ફસાવતા હતા. અને તેઓને વિશ્વાસમાં લઇ તેઓ પાસે ઓન લાઇન નાણાં મેળવી છેતરપિંડી કરતા હતા. આ ટોળકીએ આજ રીતે વડોદરાના વેપારી રાજેશકુમાર પટેલ સાથે વોટ્સએપ, મેઇલ ઉપર લોભામણી વાતચિતો કરીને સ્ક્રેપ અપાવવાના નામે ફસાવ્યા હતા. અને તેઓ સાથે રૂપિયા 19.35 લાખની ઓન લાઇન છેતરપિંડી કરી હતી. ભેજાબાજ આફ્રિકન ટોળકીની મોડસ ઓપરેન્ડીની વાત કરીએ તો, આરોપીઓ સ્ક્રેપ, ગોલ્ડ, ડાયમન્ડ, ઓઇલ, મોંઘી મેડિસીન વિગેરે મોંઘી વસ્તુઓ વેચાણ કરવા માટે ખોટી વિદેશી કંપની ઉભી કરે છે. મોંઘી વસ્તુઓ મોટા જથ્થામાં ઓછા ભાવે વેચવાનું જણાવી 50 ટકા એડવાન્સ પેમેન્ટ લેતા હોય છે. મોંઘી વસ્તુઓ ભારતમાં મોકલવા માટે ખોટી લોજિસ્ટીક કંપની ઉભી કરે છે. અને તે કંપની પેમેન્ટ આપવાના બહાને ભોગબનનાર પાસે એડવાન્સ પેમેન્ટ લે છે. મોંધી વસ્તુઓને લોજિસ્ટીક કંપની દ્વારા મોકલવા માટે ફરજિયાત 100 ટકા રીફન્ડેબલ ઇન્સ્યોરન્સ કરાવવાના બહાને રૂપિયા પડાવે છે. મોંઘી વસ્તુઓ શિપીંગ કંપની દ્વારા ખોવાઇ ગયેલ છે. અને ભોગબનનારને 1.5 મિલીયન ડોલર ઇન્સ્યોરન્સ મેળેલ છે. તેવો વિશ્વાસ અપાવે છે. અને ડોલર ભરેલ બેગ વિડીયો કોલ કરીને બતાવે છે. અને ડોલર ઇમીગ્રેશનમાં પકડાઇ નહિં તે માટે બ્લેક કલરથી કોટેડ કરે છે. અને તે વિડીયો પણ બતાવે છે, ત્યારે જાળમાં ફસાયેલા વ્યક્તિને ટોળકી દિલ્હી બોલાવે છે, અને ત્યાં સારી હોટલમાં ડીકોડ કરવાનો ડેમો બતાવી રૂપિયા પડાવે છે. આ ટોળકી દ્વારા ભોગબનનારને કહેવડાવવામાં આવે છે કે, પૂરી રકમ ભોગ બનનારના સરનામે મોકલી આપવામાં આવશે. ટોળકીના એજન્ટ કોટેડ ડોલર ભોગબનનારને પહોંચાડવા માટે જાય છે. રસ્તામાં કસ્ટમ દ્વારા પકડવામાં આવે છે. અને સેટલમેન્ટ કરવાનું જણાવી ભોગ બનનાર પાસેથી મોટી રકમ પડાવવામાં આવે છે. ભોગબનનાર જ્યાં સુધી કંગાળ ન થઇ જાય ત્યાં સુધી તેની સાથે જુદા-જુદા બહાને છેતરપિંડી કરે છે. ભેજાબાજ આફ્રિકન ટોળકી ગુનો કરવા માટે ઇન્ટરનેશનલ મોબાઇલ નંબરોનો ઉપયોગ કરે છે. જે કંપની બનાવવામાં આવે છે. તે કંપનીના ફોન બનાવટી દસ્તાવેજો ભોગ બનનારને મોકલવામાં આવે છે. વડોદરાના વેપારી સાથે રૂપિયા 19.35 લાખની છેતરપિંડી કરનાર આફ્રિકન ટોળકીને ઝડપી પાડવા માટે સાઇબર ક્રાઇમને મોટી સફળતા મળી છે.

Next Story
Share it