/connect-gujarat/media/post_banners/2efd9b384d9b201d05aa48cc69faca382ea1ba6921d6baaab3672a203fbffcfb.jpg)
વડોદરા વનવિભાગ અને જીવદયા પ્રેમીઓએ વાઘના ચામડા,દીપડાના ચામડા,ઘુવડ સહિતના વન્ય જીવોના સોદા કરતા ૨૭ લોકોને ઝડપી પાડ્યા હતા.
દક્ષિણ ગુજરાત અને મહારાષ્ટ્રના બોર્ડર વિસ્તારના ગામોમાં વન્ય જીવોનો ધીકતો વેપાર ચાલતો હોવાની વિગતોને પગલે વડોદરાના જીવદયા કાર્યકરોએ ફોરેસ્ટ વિભાગને સાથે રાખી દરોડા પાડી વાઘના ચામડા,દીપડાના ચામડા,ઘુવડ સહિતના વન્ય જીવોના સોદા કરતા ૨૭ જણાને ઝડપી પાડી કાર્યવાહી કરી છે.વલસાડ અને ડાંગ વિસ્તારમાં કેટલીક ટોળકી વન્યજીવોના સોદા કરી રહી હોવાની અને ફોરેસ્ટ વિભાગથી બચવા માટે મહારાષ્ટ્રની બોર્ડરમાં તેઓ ચાલ્યા જતા હોવાની વિગતોને પગલે છેલ્લા છ મહિનાથી વડોદરાની પ્રાણી ક્રૂરતા નિવારણ સંસ્થાના કાર્યકરો વોચમાં હતા.કાર્યકરોએ તેમને જેમજેમ માહિતી મળી તેમ ફોરેસ્ટ વિભાગની ટીમો સાથે તબક્કાવાર દરોડા પાડી વન્યજીવોને મારીને વેચવાનું મોટું રેકેટ ઝડપી પાડયું હતું.તેમણે કુલ ૨૭ આરોપીઓને ઝડપી પાડયા હતા.
જેમની સામે હાલમાં ફોરેસ્ટ વિભાગ દ્વારા આગળની તપાસ કરવામાં આવી રહી છે.વલસાડના ધરમપુર,માંડવી,ડાંગ અને નર્મદા જિલ્લાના સેલંબા ખાતે પકડાયેલા આરોપીઓ પાસેથી વાઘના બે ચામડાં તેમજ દીપડાનું એક ચામડું મળી આવ્યા હતા.જ્યારે,જુદીજુદી પ્રજાતિના પાંચ ઘુવડ,બે આંધળી ચાકરણ અને દીપડાના અવશેષો પણ કબજે લેવામાં આવ્યા હતા.