વડોદરા : ખાદી ખરીદવા શિક્ષકોને સરકારનું ફરમાન, ખાદી ગ્રામોદ્યયોગમાં શિક્ષકોની ભીડ

શિક્ષકોને 25મીએ ખાદીના વસ્ત્રો ફરજિયાત પહેરવાના હોવાથી ખાદી ખરીદવા શિક્ષકો છેલ્લી ઘડીની દોડધામ કરી રહયાં છે.

New Update
વડોદરા : ખાદી ખરીદવા શિક્ષકોને સરકારનું ફરમાન, ખાદી ગ્રામોદ્યયોગમાં શિક્ષકોની ભીડ

રાજયની તમામ શાળાઓના શિક્ષકોને 25મીએ ખાદીના વસ્ત્રો ફરજિયાત પહેરવાના હોવાથી ખાદી ખરીદવા શિક્ષકો છેલ્લી ઘડીની દોડધામ કરી રહયાં છે. વડોદરામાં ખાદી ભંડાર ખાતે શિક્ષકોની ભીડ જામી હતી.

રાજયના શિક્ષણમંત્રી ભલે બદલાય ચુકયાં હોય પણ તેમણે લીધેલા એક નિર્ણયે શિક્ષકોને દોડતા કરી નાંખ્યાં છે. તત્કાલીન શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ શિક્ષકોને ખાદીના વસ્ત્રો ફરજિયાત પહેરવા માટે ફરમાન કર્યું હતું. ભુપેન્દ્ર ચુડાસમા હવે શિક્ષણમંત્રી રહયાં નથી પણ તેમનું ફરમાન યથાવત રહયું છે. તારીખ 25મીના રોજ શિક્ષકોને સામુહિક ખાદી પહેરવાનો આદેશ હોવાથી શિક્ષકો ખાદી ખરીદવા દોડધામ કરી રહયાં છે. વડોદરાના કોઠી રોડ પર આવેલાં ખાદી ગ્રામોદ્યયોગ ખાતે શિક્ષકોની ભીડ જોવા મળી હતી.

ખાદી વેચાણને પ્રોત્સાહન આપવા માટે સરકારના શિક્ષણ વિભાગે સ્કૂલના શિક્ષકોને સામૂહિક રીતે ખાદી ખરીદવા માટે અને ૨૫ ઓક્ટોબરે સામૂહિક રીતે ખાદીના વસ્ત્રો પહેરવા માટે પરિપત્ર કર્યો છે. રાજયની તમામ ડીઈઓ કચેરીને આ પરિપત્ર મોકલવામાં આવ્યો છે. તમામ શાળા વિકાસ સંકૂલોના કો -ઓર્ડિનેટર્સને તેમજ શિક્ષકોને તથા આચાર્યોને વોટસ એપથી મેસેજ મોકલવામાં આવ્યા છે અને તેમાં કહેવામાં આવ્યુ છે કે, શિક્ષકો મહત્તમ પ્રમાણમાં ખાદીની ખરીદી કરે ખાદી ગ્રામોદ્યોગ ભંડારમાં ખાદી ખરીદવા માટે જાય ત્યારે ખાદી ખરીદતા ફોટા પણ વોટસએપ ગૃપમાં અપલોડ કરે.. વડોદરામાં શિક્ષકો ખાદી ખરીદતી વખતે સેલ્ફી લેતાં પણ જોવા મળ્યાં....

૨૫ ઓક્ટોબરે તમામ સ્કૂલોમાં શિક્ષકો અને આચાર્યોને ખાદીના કપડા પહેરવા માટે પણ કહેવામાં આવ્યુ છે.જોકે ખાદી ખરીદવાના અભિયાનમાં શિક્ષકોને આ રીતે સૂચના આપવાના શિક્ષણ વિભાગના નિર્ણય સામે શૈક્ષણિક આલમમાં કચવાટ પણ જોવા મળી રહ્યો છે. શિક્ષકોનુ કહેવુ છે કે, અમારી સાથે-સાથે પરિપત્રમાં વિદ્યાર્થીઓને તેમજ બિન શૈક્ષણિક કર્મચારીઓને પણ ખાદી ખરીદવા માટે પ્રોત્સાહન આપવા સૂચન કરાયુ છે.વિદ્યાર્થીઓને હવે ભણાવવાની સાથે સાથે ખાદી ખરીદવા માટે સમજાવવાનુ કામ પણ અમારે કરવુ પડશે. જો કે સરકારના ડરથી શિક્ષકો ઓન કેમેરા બોલવા તૈયાર નથી. એક શિક્ષક સાથે વાત કરવાનો પ્રયાસ કર્યો ત્યારે તેમણે સરકારના નિર્ણયને યોગ્ય ગણાવ્યો હતો.

Latest Stories