Connect Gujarat
વડોદરા 

વડોદરા : કિન્નરોને પગભર બનાવવા હેર સલુન સંચાલકની નેમ, સેવાકાર્યને તમે પણ કરશો સલામ

X

સામાન્ય રીતે તમને કીન્નરો ટોલ પ્લાઝા કે શુભ પ્રસંગોએ જોવા મળતાં હોય છે પણ હવે કિન્નરો પણ આત્મનિર્ભર બનવા તરફ આગળ વધી રહયાં છે. અમે તમને આજે બતાવવા જઇ રહયાં છે વડોદરાના કિન્નરો કે હેરકટીંગ, મેકઅપ સહિતની કળાઓ શીખી આર્થિક રીતે પગભર બનવા કદમ માંડી રહયાં છે......

વડોદરાના કિન્નરોની વાત કરતાં પહેલાં થોડી વાત સુરતના કિન્નર રાજવીરની કરી લઇએ. થોડા દિવસો પહેલાં કુંવર રાજવીર તેની આત્મનિર્ભરતાના કારણે લાઇમલાઇટમાં આવ્યો હતો. લોકોના મહેણાટોણાનો જવાબ આપવા માટે તેણે પોતાની ફરસાણની દુકાન શરૂ કરી હતી. નાનપણથી જ મહિલા જેવો સ્વભાવ ધરાવતો રાજવીર આજે લોકોને પ્રેરણા આપી રહયો છે. સામાન્ય રીતે કિન્નરો ઘરે ઘરે ફરી પૈસાની ઉઘરાણી કરી ગુજરાન ચલાવતાં હોય છે. પણ રાજવીરે આ બધાથી કઇ અલગ કરવાનો નિર્ણય લીધો હતો. તેણે સુરતમાં પોતાની ફરસાણની દુકાન શરૂ કરી છે. તે ફરસાણનું વેચાણ કરી આવક મેળવી રહયો છે. કુંવર રાજવીરને સુરતની એક ફુટવેર કંપનીએ પોતાનો બ્રાન્ડ એમ્બેસેડર બનાવ્યો છે...

હવે વાત કરીશું વડોદરાની.. વડોદરામાં રહેતો અને ફાઇન આર્ટસનો અભ્યાસ કરનાર દીશીત રાજપુત કિન્નરોને વિનામુલ્યે તેમના સલુનમાં તાલીમ આપી રહયો છે. દીશીત રાજપુત કિન્નર સમાજમાં છુપાયેલી ગર્ભિત શકિતઓને બહાર લાવી તેમને આત્મનિર્ભર બનાવવા તનતોડ મહેનત કરી રહયો છે. દીશીત રાજપુતે જણાવ્યું હતું કે, તે તેના સલુનમાં ટ્રાન્સજેન્ડર કોમ્યુનીટીને આર્થિક રીતે પગભર જોવા માંગે છે. મેંહદી , બ્યુટી , હેર અને મેકઅપના ક્લાસીસ કરાવું છું. મારા સલૂનમાંથી ઘણા ટ્રાન્સજેન્ડર વિવિધ કોર્સ શીખીને ગયાં છે અને તેમાંથી ઘણા નોકરી પણ કરી રહ્યા છે અને કેટલાક તો પોતાનો પણ બિઝનેસ કરે છે. દીશીત રાજપુત દીવસમાં 3 કલાક સુધી તાલીમ આપે છે અને હાલ તેમના સલુનમાં 8 કિન્નરો આવી રહયાં છે. દીશીત વધુમાં જણાવે છે કે, કિન્નરોમાં પણ કળા રહેલી હોય છે અને તેને બહાર લાવવાની જરૂર છે. આપણે સૌએ આગળ આવી કિન્નરોને આર્થિક રીતે પગભર બનાવવા તાલીમ આપવી જોઇએ.

લક્ષ્ય સંસ્થાના ઉર્વેશ શેખ જણાવે છે કે, દીશીત રાજપુત કિન્નર સમાજ પ્રત્યે ખુબ લાગણી ધરાવે છે. તેમણે અત્યાર સુધી અનેક કિન્નરોને બ્યુટીપાર્લર, મહેંદી સહિતના કોર્સની વિનામુલ્યે તાલીમ આપી છે. કિન્નરોને બ્યુટીપાર્લરમાં પ્રવેશ તો મળી જાય છે પણ જો તેમને ત્યાં તાલીમ પણ મળે તો સોનામાં સુગંધ ભળી હોય તેમ લાગે છે. સામાન્ય રીતે કિન્નરોને લોકો મજાકનું કેન્દ્ર બનાવતાં હોય છે પણ કિન્નરો પણ પ્રતિભાશાળી હોય છે બસ તેમની પ્રતિભાને ઓળખી તેમને પ્રોત્સાહિત કરવાની જરૂર છે. કિન્નરો પણ દરેક ક્ષેત્રમાં આગળ વધી રહયાં છે અને છત્તીસગઢમાં તો પોલીસ વિભાગમાં કિન્નરોની ભરતી કરવામાં આવી છે.

સુરતના રાજવીર કુંવર પોતાની રીતે જયારે વડોદરાના કિન્નરો દીશીત રાજપુતની મદદથી આર્થિક રીતે પગભર બની રહયાં છે. રાજયના અન્ય શહેરોમાં પણ કિન્નરો વસવાટ કરે છે ત્યારે તેઓ લોકો પાસે હાથ લંબાવી પૈસા મેળવે તેના કરતાં તેમને રોજગારલક્ષી તાલીમ આપવામાં આવે તો તેઓ પણ સમાજમાં સ્વમાનથી જીવી શકશે. રાજયના અન્ય શહેરોમાં પણ સેવાભાવી લોકો અને સંસ્થાઓ ટ્રાન્સજેન્ડર કોમ્યુનીટી માટે આગળ આવે તો સાચા અર્થમાં માનવતાની મહેંક પ્રસરી જશે..

Next Story