વડોદરા શહેરના સામાજિક કાર્યકર ઋત્વિક પુરોહિતે અનોખો સેવાયજ્ઞ શરૂ કર્યો છે 5000 દીકરીઓના ભાઈ બનવાના સંકલ્પ લઈ પ્રથમ 32 દીકરીઓના સમુહ લગ્નોત્સવનું આયોજન કર્યું છે સુભાનપુરા અતિથિગૃહ ખાતે ભવ્યાતિભવ્ય સમૂહ લગ્નોત્સવ યોજાયો હતો.
કોરોનાના કપરા સમયમાં ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારોની હાલત અત્યંત કફોડી બની છે. તેવા સમયે વડોદરાના સામાજીક કાર્યકર અને પર્યાવરણ પ્રેમી ઋત્વિક પુરોહિત દ્વારા ટીમ ટ્રીસ ચેરીટેબલ ટ્રસ્ટના નેજા હેઠળ સમુહ લગ્નોત્સવનું આયોજન કર્યું હતું. દીકરીઓના ભાઈ બનીને તેમનું કન્યાદાન કરવાના અનોખા સેવાયજ્ઞના પ્રારંભે પ્રથમ 32 નવયુગલોના લગ્ન કરાવ્યા હતા. ગત21 મેના રોજ સુભાનપુરા અતિથિ ગૃહ ખાતે સાંજેથી અનોખા લગ્નોત્સવની શરૂઆત કરવામાં આવી હતી. આ સમૂહ લગ્નને કાઇક જુદો અને ભવ્ય બનાવવાના પ્રયાસના ભાગરૂપે ઋત્વિક પુરોહિત અને તેમની ટીમે અથાક પ્રયાસો કર્યા છે.
દીકરી વ્હાલનો દરીયો અંતર્ગત આયોજિત સમૂહ લગ્ન ઉત્સવમાં ભવ્ય વરઘોડો પણ નીકળ્યો હતો. ઈલોરાપાર્ક ખાતેથી 16 જેટલી બગીઓ સાથે બેન્ડ,ડીજે અને રજવાડી ઢોલના તાલે 32 યુવકોનો વાજતે ગાજતે વરઘોડો નીકળ્યો હતો. જેમાં મહેમાનો અને જાનૈયાઓનું વડોદરાના બ્રાહ્મણોએ વૈદિક મંત્રોચ્ચાર કરી સ્વાગત કર્યું હતું.બીજી તરફ સમૂહ લગ્નના પ્રારંભ પૂર્વે 32 કન્યાઓનો પગ ધોઈને પૂજન કરવામાં આવ્યુ હતું. સમૂહ લગ્નોત્સવમાં મુખ્ય અતિથિ તરીકે શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણી, મહેસુલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી બાળ મહિલા બાળકલ્યાણ મંત્રી મનીષાબેન વકીલ સહિત વડોદરાના મેયર સાંસદ ધારાસભ્યો અને ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ અને પદાધિકારીઓ હાજર રહી પ્રભુતામાં પગલાં પાડનાર નવયુગલોને આશીર્વાદ આપ્યા હતા.