Connect Gujarat

વડોદરા : ચંદનપાર્કમાં પત્ની અને પુત્રીની હત્યા પતિએ જ કરી હતી, બેવડી હત્યાનો ભેદ ઉકેલાયો

વડોદરાના ન્યુ સમા રોડ પર આવેલી ચંદનપાર્ક સોસાયટીમાં રહેતાં માતા અને પુત્રીના શંકાસ્પદ મોતનો ભેદ ઉકેલાય ગયો છે

X

વડોદરાના ન્યુ સમા રોડ પર આવેલી ચંદનપાર્ક સોસાયટીમાં રહેતાં માતા અને પુત્રીના શંકાસ્પદ મોતનો ભેદ ઉકેલાય ગયો છે. મૃતક મહિલાના પતિએ જ બંનેની હત્યા કરી હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે. વડોદરાની ચંદનપાર્ક સોસાયટીમાં મકાન નંબર 48માં 36 વર્ષીય શોભના પટેલ અને તેમની 6 વર્ષની પુત્રી કાવ્યા ગરબા રમીને રવિવારે રાત્રે 12 વાગ્યે ઘરે આવ્યા હતા. ત્યારબાદ બંનેની તબિયત બગડતા પતિ સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઇ ગયો હતો.

જયાં માતા અને પુત્રીને મૃત ઘોષિત કરવામાં આવ્યાં હતાં. મૃતક શોભનાબેનના ભાઇએ હત્યાની આશંકા વ્યકત કરી હતી. તેમજ મૃતક શોભનાબેનના ગળામાં ઇજાના નિશાન મળી આવ્યાં હતાં. પોલીસે મૃતકના પતિ તેજસ પટેલની અટકાયત કરી ઘનિષ્ઠ પુછપરછ આદરી હતી. જેમાં તેજસે બંનેની હત્યા કરી હોવાની કબુલાત કરી છે. તપાસમાં માતા-પુત્રીની બેવડી હત્યા પતિના અન્ય મહિલા સાથે આડા સબંધ, ઘર જમાઇ તરીકે રહેવાની મજબૂરી તેમજ પત્નીની અજુગતી માગણીઓ જેવાં વિવિધ કારણો જવાબદાર હોવાનું બહાર આવ્યું છે. પ્રાથમિક માહિતી પ્રમાણે આ પટેલ પરિવાર પંચમહાલના નાંદરવાનો છે જ્યારે તેજસનું વતન ત્યાંથી નજીક આવેલું એરંડી ગામ છે. લગ્ન બાદ તેજસ શોભનાના ઘરે ઘર જમાઇ તરીકે રહેતો હતો. તેજસને નોકરી શોભનાના ભાઇએ અપાવી હતી. તેજસને ઘર જમાઇ તરીકે રહેવું ગમતું ન હતું. પરંતુ પત્નીની જીદના કારણે તેને મજબૂરીથી રહેવું પડતું હતું.

પત્નીની અજુગતી માંગણીઓ વધુ પડતા ખર્ચા કરાવતી હોવાથી બંને વચ્ચે અવાર-નવાર ઝઘડાઓ થતાં હતા. પોલીસની પ્રાથમિક તપાસમાં એવી પણ વિગત બહાર આવી છે કે, તેજસને અન્ય મહિલા સાથે આડા સબંધ હોવાની જાણ થતાં ઝઘડાઓ શરૂ થયા હતા.

Next Story
Share it