Connect Gujarat
વડોદરા 

વડોદરા : સાવલી-ભાજપના ધારાસભ્ય પદેથી કેતન ઇનામદારનું રાજીનામું, સમર્થકોના ધારાસભ્યના નિવાસસ્થાને ધામા..!

વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીને ઈ-મેઇલ દ્વારા પોતાના ધારાસભ્ય પદેથી રાજીનામું આપતો પત્ર મોકલ્યો છે.

X

વડોદરાના સાવલીના ભાજપ ધારાસભ્ય કેતન ઇનામદારે રાજીનામું આપ્યું છે. વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીને ઈ-મેઇલ દ્વારા પોતાના ધારાસભ્ય પદેથી રાજીનામું આપતો પત્ર મોકલ્યો છે. પરંતુ વિધાનસભા અધ્યક્ષને રૂબરૂ રાજીનામું ન આપે ત્યાં સુધી ધારાસભ્ય પદ પરથી રાજીનામું કહી શકાય નહીં. હાલ અધ્યક્ષને રુબરું રાજીનામું સોંપવાની પ્રક્રિયા કેતન ઇનામદારે પૂરી કરી નથી. જેથી આ રાજીનામું માન્ય ગણાય નહીં. કેતન ઇનામદારના વિરોધીઓને ભાજપમાં મોટા કરાતા હોવાનો કેતન ઈનામદારનો આરોપ છે. આ સાથે જ તેઓએ જણાવ્યું હતું કે, હું રંજન ભટ્ટને સપોર્ટ કરું છું. કેતન ઈનામદારના સાવલી સ્થિત નિવાસસ્થાને તેમના સમર્થકોના ટોળા ઊમટી પડ્યા હતા. તો રંજન ભટ્ટના સમર્થનમાં કેતન ઇનામદારના રાજીનામાની ચર્ચા વચ્ચે રંજન ભટ્ટે કહ્યું કે, 2 દિવસ પહેલા જ તેમને કાર્યકરોને સાથે રાખીને કાર્યક્રમ રાખ્યો હતો. જિલ્લા અને બુથ લેવલે કેવી રીતે કામગીરી કરવી તેની અમારી ફોન પર વાત થતી હતી. હું આ વાતથી અજાણ છું કે, કેતન ભાઇએ રાજીનામું આપ્યું છે. હું તેમનો ટેલિફોનિક સંપર્ક કરવાનો પ્રયાસ કરી રહી છું, પણ તેમનો સંપર્ક થતો નથી.

ઉલ્લેખનીય છે કે, ભાજપે રંજન ભટ્ટને વડોદરા બેઠકના ઉમેદવાર જાહેર કર્યા બાદ તેમનો વિરોધ થયો હતો, અને ભાજપના મહિલા મોરચાના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ જ્યોતિ પંડ્યાએ પણ ભાજપમાંથી રાજીનામું આપી દીધું હતું. જ્યોતિબેન પંડ્યાના રાજીનામા બાદ વડોદરા બેઠકના ઉમેદવાર બદલવાની ચર્ચાએ જોર પકડ્યું છે, ત્યારે આવા સમયે ભાજપના ધારાસભ્ય કેતન ઇનામદારે આપેલા રાજીનામાએ વડોદરાના રાજકકારણમાં ચર્ચા જગાવી છે. તો બીજી તરફ, વડોદરા જિલ્લા ભાજપ પ્રમુખ સતિષ નિશાળિયાએ જણાવ્યુ હતું કે, સાવલીના ભાજપના ધારાસભ્ય કેતન ઇનામદારના રાજીનામાની મને મીડિયાના માધ્યમથી ખબર પડી છે. હાલ મારી તબિયત સારી નથી, જેથી પ્રભારી રાજેશ પાઠક સહિત ભાજપના આગેવાનો અને કાર્યકરોને ધારાસભ્ય કેતન ઇનામદારને સમજાવવા મોક્લ્યા છે. આ સાથે જ ધારાસભ્ય કેતન ઇનામદાર PM મોદીની વિચારધારા સાથે વરેલા હોવાની પણ સતિષ નિશાળિયાએ વાત કરી હતી. ઉપરાંત કુલદીપસિંહ રાઉલજી કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાતા પાર્ટીએ તેઓને ડભોઇની જવાબદારી સોંપી હોવાનું પણ તેઓએ જણાવ્યુ હતું. તો બીજી તરફ, જામનગરના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજા પણ કેતન ઇનામદારને મળવા તેઓના નિવાસસ્થાને પહોંચ્યા હતા. તેઓએ જણાવ્યુ હતું કે, કેતન ઇનામદાર મારા મિત્ર છે, એટલે ચા-પાણી કરવા આવ્યો છું.

Next Story