/connect-gujarat/media/post_banners/b8bed2c45920f4cd9645e6173e703e00726f58e6536808e8d61d25ad55fb7daf.jpg)
વડોદરામાં ઉત્તરાયણ અને વાસી ઉત્તરાયણ દરમિયાન લોકો પતંગોત્સવમાં વ્યસ્ત હતા ત્યારે પતંગદોરીના કારણે કુલ ૨૮ લોકોનાં ગળા કપાયાની ઘટના બની હતી જેમાંથી એક વ્યક્તિનું મોત થયુ હતું જ્યારે બાકી લોકો હાલમાં સારવાર હેઠળ છે.
વડોદરામાં શનિવારે ઉત્તરાયણને દિવસે રિન્કુ યાદવ નામનો યુવક બાઇક લઇને વડોદરા નજીક નેશનલ હાઇવે પર દશરથ ગામ નજીકથી પસાર થઇ રહ્યો હતો ત્યારે પતંગ દોરીથી તેનું ગળુ કપાતા લોહીના ફૂવારા ઉડયા હતા અને ઘટના સ્થળ પર જ તેનુ મોત થયું હતું. રિન્કુ યાદવ સ્ક્રેપનો વેપારી હતો અને નંદેસરીમાં આવેલા તેના ગોડાઉનથી છાણીમાં આવેલા તેના ઘરે પરત ફરી રહ્યો હતો ત્યારે આ દુર્ઘટના બની હતી.આ ઉપરાંત, બે દિવસ દરમિયાન કુલ ૨૨ લોકોના પતંગ દોરીથી ગળા કપાયા હતા જે પૈકી ૧૭ લોકો એસએસજી હોસ્પિટલમાં જ્યારે ૫ લોકો ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ થયા છે. ઉલ્લેખનીય છે કે વડોદરામાં છેલ્લા ૧૫ દિવસ દરમિયાન પતંગ દોરીથી ગળુ કપાઇ જવાની ઘટનામાં કુલ ૩ મોત નોંધાયા છે.જ્યારે ૩ કિશોર સહિત ૮ લોકો પતંગ લૂટવાના ગાંડપણમાં ધાબા પરથી પટકાતા ગંભીર ઇજાઓ થઇ હતી,જેમાંથી ૫ લોકો એસએસજીમાં અને ૩ લોકો ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયા છે.