Connect Gujarat
વડોદરા 

વડોદરા : જુઓ એવું તો શું મળ્યું કે, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને કાંસનું ઢાંકણું ખોલતા જ લોકો ચોંકયા..!

નવાપુરામાં છેલ્લા એક માસથી દૂષિત પાણીની સમસ્યા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જાતે મુલાકાત લેવા પહોચ્યા ચેરમેને પોતે કાંસનું ઢાંકણું ખોલતા હાજર લોકો ચોંકયા

X

વડોદરા શહેરના નવાપુરા વિસ્તારમાં છેલ્લા એક માસ ઉપરાંતથી દૂષિત પાણીની સમસ્યાના પગલે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જાતે મુલાકાત લેતા અધિકારીઓ પણ દોડતા થઇ ગયા હતા. વડોદરા શહેરના નવાપુરા વિસ્તારમાં છેલ્લા એક માસ ઉપરાંતથી દૂષિત અને દુર્ગંધવાળું પાણી આવતું હોવાની સ્થાનિકોની બૂમોના પગલે સ્થાનિક મહિલા કાઉન્સિલરે મ્યુનિસિપલ કમિશનર સહિતના તમામ અધિકારીઓને રજૂઆત કરી હતી.

પરંતુ એક પણ અધિકારી દ્વારા સ્થળ મુલાકાત લઈ કોઈ પગલા ભરાયા ન હતા. ત્યારબાદ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ડોક્ટર હિતેન્દ્ર પટેલને રજૂઆત કરતા તેઓ સ્થળ પર દોડી જતા પાણી પુરવઠા વિભાગના એડિશનલ સિટી એન્જિનિયર સહિત તમામ સ્ટાફ પણ દોડતો થઇ ગયો હતો. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને પોતે વરસાદી કાંસનું ઢાંકણું ખોલતા લોકો ચોંકી ઉઠ્યા હતા. કાંસની અંદર ખૂબ જ મોટી માત્રામાં દેશી દારૂની ખાલી પ્લાસ્ટિકની કોથળીઓ મળી આવી હતી. આ સાથે જ ગેરકાયદેસર કનેક્શન પણ જોવા મળ્યા હતા.

જોકે, દૂષિત પાણીની સમસ્યાની ફરિયાદ કાઉન્સિલર દ્વારા મળતા વરસાદી કાંસ ચેક કરતાં તેમાંથી મોટી માત્રામાં પ્લાસ્ટિકની કોથળીઓ મળી આવી છે, ત્યારે આ બાબતે કાયદેસરના પગલાં લેવા પોલીસને જાણ કરવા અંગે પણ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને જણાવ્યુ હતું. સમગ્ર પટ્ટામાં દુષિત પાણીની ફરિયાદો મળવા છતાં કુંભકર્ણની નિદ્રા માણી રહેલા અધિકારીઓ હવે ડ્રેનેજ લાઈન, વરસાદી કાંસમાં દૂષિત પાણીના સ્ત્રોત શોધવા પ્રયત્ન કરી રહ્યા છે. જોકે,ચેરમેનની અધ્યક્ષતામાં કામ તો શરૂ કરવામાં આવ્યું છે. પરંતુ કામગીરી વહેલી તકે પૂર્ણ કરી નાગરિકોને શુદ્ધ પીવાનું પાણી મળે તેવી માંગ ઉઠી છે.

Next Story