વડોદરા નજીકથી પસાર થતી મહીસાગર નદીમાં દશામાની મૂર્તિનું વિસર્જન કરવા ગયેલા 5 યુવાનો ડૂબી જતા લાપતા થયા હતા, ત્યારે ડૂબી ગયેલા યુવાનો પૈકી 2 યુવાનોના મૃતદેહ ગત ગુરુવારે જ મળી ગયા હતા, જ્યારે અન્ય લાપત્તા 3 યુવાનોના મૃતદેહો આજે શુક્રવારે મળી આવ્યા હતા.
વડોદરા શહેર તથા જિલ્લામાં ભારે ઉત્સાહ સાથે ઉજવણી કરાયેલ દશામા મહોત્સવમાં વિસર્જન વેળા સિંઘરોટ મહી નદીમાં એક હોમગાર્ડ જવાન સહિત 2 યુવાનો અને સાવલી તાલુકાના કનોડા ગામ પાસે રણછોડપુરા ગામના 3 યુવાનો ડૂબી ગયા હતા. ડૂબી ગયેલા યુવાનો પૈકી 2 યુવાનોના મૃતદેહ ગુરુવારે જ મળી ગયા હતા, જ્યારે અન્ય લાપત્તા થયેલા 3 યુવાનના મૃતદેહો આજે સવારે મળી આવ્યા હતા.
વડોદરાના વાઘોડિયા રોડ પર બળિયાદેવ નગરમાં રહેતા પ્રજ્ઞેશ માછી અને હોમગાર્ડમાં નોકરી કરનાર સાગર તૂરી વડોદરા નજીક સિંઘરોટ મહી નદી ઉપરના ચેકડેમ પાસે દશામાની મૂર્તિના વિસર્જન દરમિયાન ડૂબી ગયા હતા. જેમાં સાગર તૂરીનો મૃતદેહ ગઈકાલ ગુરુવારે જ મળી આવ્યો હતો, જ્યારે આજે પ્રજ્ઞેશ માછીનો મૃતદેહ દશામાની મૂર્તિ નીચે દબાઈ ગયેલી હાલતમાં મળી આવ્યો હતો. તાલુકા પોલીસે પ્રજ્ઞેશ માછીનો મૃતદેહ કબજે કરી કાર્યવાહી હાથ ધરી છે.
તો બીજી તરફ, વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના કનોડા ગામના રણછોડપુરા ગામના 3 યુવાન સંજય ગોહિલ, કૌશિક ગોહિલ અને વિશાલ ગોહિલ પરિવારજનો સાથે દશામાની મૂર્તિનું વિસર્જન કરવા માટે કનોડા ગામ પાસેથી પસાર થતી મહી નદી ખાતે ગયા હતા. મૂર્તિના વિસર્જન સમયે મહી નદીના ધસમસતા પાણીમાં એક પછી એક ત્રણેય યુવાને એક-બીજાને બચાવવા જતા ડૂબી જતા લાપતા થયા હતા.
જેમાં સંજય ગોહિલનો મૃતદેહ ગત ગુરુવારે જ મળી આવ્યો હતો, જ્યારે કૌશિક ગોહિલ અને વિશાલ ગોહિલનો મૃતદેહ આજે સવારે ઘટના સ્થળથી થોડે દૂર ફાયરબ્રિગેડની ટીમને મળી આવ્યા હતા. ત્યારબાદ પોલીસે મૃતદેહોનો કબજો મેળવી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.