-
વસંત પંચમી પૂર્વે એમ.એસ. યુનિવર્સિટી દ્વારા આયોજન કરાયું
-
ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટ્સ દ્વારા સયાજી લોક કલા ઉત્સવ
-
લોકકલા અને પરંપરાઓને જીવંત રાખવાની એક અનોખી ગાથા
-
લોકગીતો, લોકનૃત્ય સહિત પરંપરાગત નાટ્યપ્રસ્તુતિનો સમાવેશ
-
વસંતના પવિત્ર આગમનને સંગીત, નૃત્ય, નાટ્યએ ભવ્યતા અર્પી
વડોદરા શહેરની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટ્સ દ્વારા પવિત્ર વસંત પંચમીના પવિત્ર આગમન પૂર્વે સયાજી લોક કલા ઉત્સવ-2025ની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.
વસંતની મસ્તીભરી પવનની લહેરે, ગૂંજી ઉઠેલા સૂર તાલે, નૃત્યની થનઘાટ અને સુગંધિત ફૂલોની મોહક મહેક વચ્ચે વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટ્સ દ્વારા સંસ્થાના કોન્સર્ટ હોલ ખાતે સયાજી લોક કલા ઉત્સવ-2025નું આયોજન કરવામાં આવ્યું હતું. તા. 2 ફેબ્રુઆરીના રોજ વસંત પંચમીનો પવિત્ર દિવસ હોવાથી લોકકલા સંગીત, નૃત્ય અને નાટ્યના વિવિધ રંગો એકઠા થઈ ભાવભીની ઝલક પ્રસરાવી હતી.
આ પવિત્ર પ્રસંગે ભારત અને વિશ્વની વિવિધ લોકસંસ્કૃતિઓના શૈલીલક્ષી પ્રદર્શન થકી સંસ્કૃતિની સમૃદ્ધિ અને વિવિધતાની શ્રોતાઓને અનુભૂતિ થઈ હતી, જ્યાં લોકગીત, લોકનૃત્ય અને નાટ્યકલાના પ્રભાવી રજૂઆત દ્વારા સંગીતમય વાતાવરણનું નિર્માણ થયું હતું.
જેમાં ઉત્તર-પૂર્વીય ભારતના લોકગીતો, બંગાળી લોકગીતો, ગુજરાતી લોકગીતો, રાજસ્થાની લોકગીતો તેમજ લોકનૃત્ય પ્રસ્તુતિમાં કથારક, ગોયમ, કચ્છી રાસ, બાંગ્લાદેશી વિલેજ ફોક ડાન્સ, જોગવા, સેગા ડાન્સ સહિત નાટ્યપ્રસ્તુતિમાં ગુજરાતની પરંપરાગત નાટ્યકલા ભવાઈનો સમાવેશ કરવામાં આવ્યો હતો.
આ મહોત્સવે સંસ્કૃતિના રંગોથી સરોબર થઈ વસંતના પવિત્ર આગમનને સંગીત, નૃત્ય અને નાટ્ય દ્વારા ભવ્યતા અર્પી સયાજી લોક કલા ઉત્સવ-2025એ લોકકલા અને પરંપરાઓને જીવંત રાખવાની એક અનોખી ગાથા રચી હતી.
આ આયોજકને સફળ બનાવવા ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટ્સના ડિન પ્રો. ગૌરાંગ ભાવસાર, સંયોજક ડૉ. નિતિન પરમાર, સહ-સંયોજક જયદીપ લકુમ, સંકલનકર્તા જનક જસકિયા, સહ-સંકલનકર્તા હેતલ આર્યાએ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.