/connect-gujarat/media/post_banners/3015351b8618296c68ad22d96068b626da3d3a7a6695b57250b967cf8e54ad36.jpg)
વડોદરા શહેરમાં ઠંડર સ્ટોર્મની અસર ઘટતાની સાથે જ તાપમાન વધતાં શહેરવાસીઓ કાળઝાળ ગરમીથી બચવા અનેક નુસખા અપનાવી રહ્યા છે. તો બીજી તરફ અમદાવાદની જેમ વડોદરામાં ટ્રાફિક સિગ્નલ પર ઊભા રહેવાની મુક્તિ અંગે હજી કોઈ નિર્ણય ન લેવાતાં લોકોને ગરમ પવનોની થપાટ ખાવાનો વારો આવ્યો છે.
વડોદરા શહેરમાં ભારે ગરમીના કારણે લોકોને બહાર નીકળવું પણ મુશ્કેલ થયું છે. અંગ દઝાડતી ગરમીમાં લોકો સેકાઈ રહ્યા છે, ત્યારે શરીર અને મોઢાને લૂથી બચાવવા લોકોને આખા વસ્ત્રો પહેરવાની ફરજ પડી રહી છે, તો બપોરના સમયે મોટાભાગના રસ્તાઓ પણ સુમસામ થઇ જાય છે. તેવામાં વેપાર ધંધે જતા લોકોની મુશ્કેલીમાં પણ વધારો થયો છે. સાથે જ ગરમીથી બચવા લોકો ટોપી, ચશ્મા સહિતની ચીજવસ્તુનો ઉપયોગ કરી રહ્યા છે. એટલું જ નહીં કાળઝાળ ગરમી સામે રક્ષણ મળે તે માટે લોકો ઠંડા પીણાંનો પણ ભરપૂર ઉપયોગ કરી રહ્યા છે.
તો બીજી તરફ અમદાવાદ શહેરમાં બપોરે 1થી 4 દરમિયાન મોટાભાગના ટ્રાફિક સિગ્નલ બંધ રહેશે તેવો ટ્રાફિક પોલીસ દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે, ત્યારે અમદાવાદની જેમ વડોદરા શહેરમાં પણ આ પ્રકારનો નિયમ લાગુ કરવામાં થોભો અને રાહ જુઓની નીતિ અપનાવાય છે. વડોદરામાં બપોરે સિગ્નલને બંધ રાખવા અંગે હજી કોઈ નિર્ણય ન લેવાતાં અનેક વાહનચાલકોને અંગ દઝાડતા ગરમ પવનોની થપાટો ખાવા ટ્રાફિક સિગ્નલ પર ઊભા રહેવાનો વારો આવ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્યના ગૃહમંત્રીએ ગત શનિવારે અમદાવાદમાં બપોરે ટ્રાફિક સિગ્નલ બંધ રાખવા અંગે ટ્રાયલ લીધા બાદ અન્ય શહેરોમાં પણ આ નિયમ લાગુ કરવાની જાહેરાત કરી હતી.