Connect Gujarat
વડોદરા 

વડોદરા : લીલોરામાં માતાની સાથે સુતેલું નવજાત શિશુ અચાનક થયું ગુમ, અપહરણની આશંકા

X

વડોદરાના વાઘોડીયા તાલુકાના લીલોરા ગામમાં માતાની સાથે સુઇ રહેલાં સાત દિવસના નવજાત શિશુ અચાનક ગાયબ થઇ જતાં ચકચાર મચી છે. નવજાત શિશુના અપહરણની આશંકા હોવાથી પોલીસે એફએસએલ અને ડોગ સ્કવોડની મદદ લીધી છે...

વડોદરા જિલ્લાના વાઘોડિયા તાલુકાના જરોદ નજીક લીલોરા ગામે માતાની સાથે સુઇ રહેલાં 7 દિવસના નવજાત બાળક ગુમ થઇ જતાં પરિવારે વાઘોડિયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ઘટનાની જાણ થતાં DYSP કલ્પેશ સોલંકી સહિતના ઉચ્ચ અધિકારીઓ આજે સ્થળ પર દોડી ગયા હતા અને ડોગ-સ્ક્વોડ અને FSLની મદદ લઇને બાળકની શોધખોળ શરૂ કરી છે. ગામમાંથી મળતી માહિતી મુજબ પુનમભાઇ દેવીપુજકની પત્નીએ 15મી ઓકટોબરના રોજ જરોદની રેફરલ હોસ્પિટલમાં બાળકને જન્મ આપ્યો હતો. 16 ઓક્ટોબરના રોજ સાંજે સંગીતાબેનને રેફરલ હોસ્પિટલમાંથી રજા મળતાં પોતાના ઘરે આવ્યાં હતાં. આ દરમિયાન રાત્રિના બે વાગ્યાની આસપાસ તાજું જન્મેલું 7 દિવસનું બાળક માતાએ પોતાની પથારીમાં ન જોતાં હચમચી ઊઠયાં હતાં. સંગીતાબેનને અગાઉની ડિલિવરીમાં એક અઢી વર્ષની બાળકી છે, હાલ તાજું જન્મેલું 7 દિવસનું બાળક રાત્રિના સમય દરમિયાન ગુમ થઇ જતાં માતા સંગીતાબેન ભાંગી પડ્યાં હતાં.

તારીખ 20મી ઓક્ટોબરના રોજ રાતે તેઓ પોતાના પિતાના ઘરના આગળના ભાગે કાચા ઝૂંપડામાં ખાટલા પર નવજાત બાળક સાથે સૂતા હતા.એ વખતે તેમની માતા પણ નજીકમાં સૂતી હતી. રાતે દોઢ વાગ્યાની આસપાસ તેમનું બાળક જાગી ગયું હતું. જોકે, બાળક સૂઇ ગયા બાદ તેઓ પણ સૂઇ ગયાં હતાં. રાતે 2 વાગ્યાની આસપાસ તેમણે પડખું ફેરવી હાથ ફેરવતાં બાળક મળી નહોતું, જેથી માતાએ બાળક મળતું ન હોવાની જાણ પરિવારને કરી આસપાસ શોધખોળ હાથ ધરી હતી. તેમ છતાં બાળકનો કોઈ પતો ન મળતાં આખરે પોલીસને જાણ કરાઇ હતી. ઘટનાની જાણ થતાં ડીવાયએસપી કલ્પેશ સોલંકી સહિતના ઉચ્ચ અધિકારીઓ સ્થળ પર દોડી ગયા હતા અને ડોગ-સ્ક્વોડ અને FSLની મદદ લઇને બાળકની શોધખોળ શરૂ કરી છે.

Next Story