Connect Gujarat
વડોદરા 

વડોદરા: હવે નંદેસરી નજીક પણ પોલીસકર્મીને ટ્રકથી કચડવાનો પ્રયાસ,પોલીસે 2 આરોપીની કરી ધરપકડ..

ચોરીનો સામાન ભરેલી ટ્રકનો પીછો કરતી પોલીસે ટ્રકને રોકવાનો પ્રયાસ કરતા પીસીઆર વાન પર ટ્રક ચડાવી દેવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો..

X

હરિયાણામાં ખાણ માફિયાએ તપાસ કરવા પહોંચેલા ડીએસપીને ડમ્પર તળે કચેરીને હત્યા કર્યાના બીજા દિવસે શહેર નજીક બોરસદ ખાતે પોલીસ કર્મચારીએ રોકવાનો પ્રયાસ કરતા ટ્રક ચાલકે ટ્રક ચડાવી દઈ મોતને ઘાટ ઉતાર્યા હતા દરમિયાન આજે વડોદરામાં પણ હરિયાણા અને ઝારખંડ વાળી જોવા મળી છે. ચોરીનો સામાન ભરેલી ટ્રકનો પીછો કરતી પોલીસે ટ્રકને રોકવાનો પ્રયાસ કરતા પીસીઆર વાન પર ટ્રક ચડાવી દેવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો..

વડોદરાના નંદેશરી પોલીસ મથકની પીસીઆર વાન ગઈકાલે રાત્રે પેટ્રોલિંગમાં હતી. આજે વહેલી સવારે કન્ટ્રોલ તરફથી તેમને વર્ધી મળી હતી કે, દશરથ ગામ ક્રોસ કરી ફાજલપુર બ્રિજ તરફ શંકાસ્પદ ટ્રક જઈ રહી છે. જેથી પીસીઆર વાન ઇન્ચાર્જ એ.એસ.આઇ ભિમસીંગ મનુભાઈ, પોલીસ કોન્સ્ટેબલ જયેશભાઈ ફતાભાઈ અને કોન્ટ્રાક્ટ ડ્રાઇવર તરીકે ફરજ બજાવતા રામદાસ મેડાએ બાતમી મુજબની ટ્રકનો પીછો કરી તેને રોકવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ ટ્રક ડ્રાઇવરે પીસીઆર વાનને ઓવરટેક કરી ફુલ સ્પીડે હંકારી હતી. પોલીસે ટ્રકનો પીછો કરતા ટ્રક ડ્રાઇવરે વાસદ ટોલનાકા પહેલા ડિવાઈડરના કટમાંથી યુ ટર્ન લઈ ટ્રકને વડોદરા તરફ દોડાવી હતી.

ફાજલપુર પાસે પોલીસની પીસીઆર વાને ટ્રકને ઓવરટેક કરી ફરી એક વખત રોકવાનો પ્રયાસ કર્યો હતો. ટ્રકમાં સવાર એક શખ્સ ચાલકને પીસીઆર વાન ઉપર ટ્રક ચડાવી દેવા ઈશારો કરતો નજરે ચડ્યો હતો. આ દરમિયાન ડ્રાઇવરે સાવચેતી વાપરી પોતાની પીસીઆર વાન હટાવી લેતા ટ્રક ફુલ સ્પીડે પસાર થઈ ગઈ હતી દરમ્યાન પોલીસ વાન ડિવાઇડર સાથે ભટકાતા ડ્રાઇવરને ગંભીર ઇજાઓ પહોંચી હતી. જેથી તેને સારવાર અર્થે નજીકની ખાનગી હોસ્પિટલ ખસેડાયો હતો. આ અકસ્માતમાં પીસીઆર વાનને પણ નુકસાન પહોંચ્યું હતું. સમગ્ર ઘટના સંદર્ભે કંટ્રોલને જાણ કરી હતી. જેના આધારે છાણી પોલીસે ટ્રકને ઝડપી પાડી ટ્રકમાં સવાર શખ્સોની સઘન પૂછપરછ હાથ ધરી હતી.

પોલીસની પ્રાથમિક પૂછતાછમાં આરોપી ટ્રક ચાલક યુનુસ રમજાની અને મોસીન હસનભાઈ મીઠા હોવાનું બહાર આવ્યું હતું. જ્યારે ટ્રકમાં સવાર અન્ય સુફિયાન મોડાસાવાલા, સોયેબ શેખ તેમજ એક અજાણ્યો શખ્સ નાસી છૂટવામાં સફળ રહ્યો હતો. જ્યારે ટ્રકમાં ભરેલો સામાન ચોરીના ટાયરો હોવાની વિગતો સપાટી પર આવી છે. પીસીઆર વાન ડ્રાઇવરની ફરિયાદના આધારે નંદેસરી પોલીસે આરોપીઓ વિરુદ્ધ હત્યાનો પ્રયાસ, સરકારી કર્મચારી ઉપર હુમલો, સરકારી મિલકતને નુકસાની સહિતની કલમો હેઠળ ગુનો નોધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે...

Next Story