Connect Gujarat
વડોદરા 

વડોદરા: બોગસ દસ્તાવેજોના આધારે જમીન મામલે છેતરપિંડી કરનાર ઠગ અશ્વિન પટેલની પોલીસે કરી ધરપકડ

જમીન બાબતે છેતરપિંડી કરી છેલ્લા 7 વર્ષથી નાસતા ફરતા આરોપીની વડોદરા પોલીસે ધરપકડ કરી છે

X

વડોદરામાં બોગસ દસ્તાવેજોના આધારે જમીન બાબતે છેતરપિંડી કરનાર મહાઠગની ગોત્રી પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આરોપી સામે ભરૂચમાં છેતરપિંડી અને ચેક બાઉન્સઅંગેની પણ ફરિયાદો નોંધાઈ છે

જમીન બાબતે છેતરપિંડી કરી છેલ્લા 7 વર્ષથી નાસતા ફરતા આરોપીની વડોદરા પોલીસે ધરપકડ કરી છે. વડોદરાની સમર્થ રેસીડન્સીમાં રહેતા ફરિયાદી અનુજ પટેલે વર્ષ 2015ના ડિસેમ્બર માસમાં ગોત્રી પોલીસ મથકે કુલ ચાર આરોપીઓ સામે છેતરપિંડી અને વિશ્વાસ ઘાત અંગેની પોલીસ ફરિયાદ નોંધાવી હતી. આરોપી રાજેશ પટેલ,ખેંગાર ભરવાડ,અશ્વિન બાબરભાઈ પટેલ અને સીમા પટેલે ભેગા મળી વડોદરાના વાસણા ગામના સર્વે નંબર 25-1 વાળી જમીન અંગે વારંવાર ખોટા બાનાખત અને વેચાણ દસ્તાવેજો બીજાના નામે કરી મોટો આર્થિક ફાયદો મેળવ્યો હતો અને છેતરપિંડી આચરી હતી.

ફરિયાદીએ આ જમીન મૂળ માલિક રાજેશ પટેલ પાસે કાયદેસર રીતે રાખી હતી પરંતુ અન્ય આરોપીઓએ ભેગામળી વારંવાર ખોટા દસ્તાવેજ કર્યા હતા અને છેતરપિંડી આચરી હતી. આ ગુનામાં વર્ષ 2015થી ફરાર અશ્વિન બાબર પટેલ નામના આરોપીની ગોત્રી પોલીસે નડિયાદ ખાતેથી ધરપકડ કરી છે.આરોપી છેલ્લા 7 વર્ષથી ભરૂચ અને નડિયાદ સહિતના જિલ્લાઓમાં નાસતો ફરતો હતો જો કે ગોત્રી પોલીસને બાતમી મળી હતી કે આરોપી નડિયાદ ચેરિટિ કમિશ્નરની ઓફિસે જનાર છે જેના આધારે તારીખ 10મી ઓગસ્ટના રોજ તેને ઝડપી પાડવામાં આવ્યો હતો અને કોર્ટ રજૂ કરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે

ઝડપાયેલ આરોપીએ અન્ય લોકો સાથે પણ છેતરપિંડી કરી હોવાનું બહાર આવ્યું છે. આરોપી અશ્વિન બાબર પટેલ સામે ભરૂચ શહેર સી ડિવિઝન પોલીસ મથકે પણ છેતરપિંડી અંગેનો ગુનો નોંધાયો છે. આ ગુનાની વિગત પર નજર કરીએ તો સ્વામિનારાયણ શિશુ કેન્દ્ર ટ્રસ્ટના પૂર્વ ટ્રસ્ટીઓ હાલમાં ટ્રસ્ટી ન હોવા છતા પોતાના હોદ્દાનો દૂરઉપયોગ કરી ટ્રસ્ટના નીતિ નિયમો વિરુધ્ધ પોતાના અંગત લાભ માટે ગેરકાયદેસર રીતે આર્થિક લાભ મેળવ્યા છે.

પૂર્વ ટ્રસ્ટી અશ્વિન બાબર પટેલે વર્ષ 2018માં ટ્રસ્ટમાંથી ટ્રસ્ટી તરીકે રાજીનામાં આપ્યા હતા આમ છતા પૂર્વ ટ્રસ્ટી અને આરોપી અશ્વિન પટેલે અન્ય આરોપીઓ સાથે મળી ખોટું સોગંદનામું કરી ટ્રસ્ટની રૂપિયા 15 લાખની ફિક્સ ડિપોઝિટ તોડવાનો પ્રયાસ કર્યો હતો. આ ઉપરાંત આરોપીઓ ટ્રસ્ટી હતા એ સમયે વર્ષ 2016માં કષ્ટભંજન ડેવલોપ નામની ભાગીદારી પેઢી ઊભી કરી સ્કૂલમાં ક્નસ્ટ્રકશનના નામે 25.55 લાખ રૂપિયા કષ્ટભંજન ડેવલોપને ચૂકવી ગેરકાયદેસર રીતે આર્થિક લાભ મેળવ્યો હતો. આ મામલે ભરૂચ પોલીસ દ્વારા તપાસ ચાલી રહી છે ત્યારે વડોદરામાં ઝડપાયેલ મહાઠગ અશ્વિન બાબર પટેલની ભરૂચ પોલીસ પણ ધરપકડ કરે એવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે..

Next Story