વડોદરા : પોલીસની "સી" ટીમનો સપાટો, જાહેરમાં યુવતીઓની છેડતી કરનાર યુવકો અટકાયત

યુવતીઓની છેડતી અને મશ્કરીના બનાવમાં વધારો, રોમિયોગિરિ કરતાં 70 જેટલા યુવકોની અટકાયત કરી

New Update
વડોદરા : પોલીસની "સી" ટીમનો સપાટો, જાહેરમાં યુવતીઓની છેડતી કરનાર યુવકો અટકાયત

વડોદરા શહેરના વિવિધ વિસ્તારોમાં યુવતીઓની છેડતી અને મશ્કરીના બનાવોમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે, ત્યારે શહેર પોલીસની "સી" ટીમ દ્વારા આવા બનાવોને રોકવા માટે અલગ અલગ કેસ કરી 70 જેટલા યુવકોની અટકાયત કરી હતી.

વડોદરા શહેરના વિવિધ વિસ્તારોમાં છેલ્લા કેટલાક સમયથી રસ્તે જતી અથવા તો સોસાયટીઓ બહાર રોમિયો દ્વારા યુવતીઓની છેડતી તેમજ મશ્કરીના બનાવો સતત વધી રહ્યા છે, ત્યારે આવા કિસ્સામાં યુવતીઓ ફરિયાદ કરવાનું ટાળતી હોય છે. પરંતુ ભોગ બનનાર યુવતી જ્યારે ફરિયાદ નહીં કરે, ત્યારે આવા યુવકોને છૂટો દોર મળી જતો હોય છે. જે અંગે નિયંત્રણ લાવવા માટે વડોદરા શહેર પોલીસ કમિશનર અને પોલીસની "સી" ટીમ આગળ આવી છે, અને રોમિયોગીરી કરતા રોમિયોને પકડવા માટે કમર કસી છે.

વડોદરા શહેરના તમામ પોલીસ મથકોમાં "સી" ટીમ કાર્યરત કરવામાં આવી છે. જે સિટીમાં કાર્યરત મહિલા કોન્સ્ટેબલ રોમિયોને પકડવા માટે અલગ અલગ જગ્યાએ સિવિલ ડ્રેસમાં ફરે છે, અને કોઈ રોમિયો તેની છેડતી અથવા તો મશ્કરી કરે તેવા સંજોગોમાં તાત્કાલિક અટકાયત કરી દેવામાં આવે છે. જેમાં અત્યાર સુધીમાં વડોદરા શહેરની "સી" ટીમે 70 કેસ દાખલ કરી 70 જેટલા યુવકોની અટકાયત કરી હતી. જોકે, આવા બનાવ બને તો તાત્કાલિક પોલીસનો સંપર્ક કરી ફરિયાદ કરવી, જેથી છેડતી અને મશ્કરી કરનાર યુવકોની સામે કાયદેસરના પગલાં ભરી શકાય તેવી પણ પોલીસની "સી" ટીમે યુવતીઓને અપીલ કરી છે.

Latest Stories