Connect Gujarat
વડોદરા 

વડોદરા : છેલ્લા 5 વર્ષમાં 24 હજારથી વધુ વન્યજીવોનું રેસ્ક્યુ કરી સુરક્ષા-સલામતી માટે સદૈવ તત્પર વન્યજીવ પ્રબંધન-બચાવ કેન્દ્ર

શહેર અને તાલુકામાં છેલ્લા 5 વર્ષમાં 24 હજારથી વધુ વન્યજીવોનું રેસ્ક્યુ કરી તેઓની સુરક્ષા અને સલામતી માટે સદૈવ તત્પર એવા વન્યજીવ પ્રબંધન અને બચાવ કેન્દ્રની કામગીરી રંગ લાવી છે.

વડોદરા : છેલ્લા 5 વર્ષમાં 24 હજારથી વધુ વન્યજીવોનું રેસ્ક્યુ કરી સુરક્ષા-સલામતી માટે સદૈવ તત્પર વન્યજીવ પ્રબંધન-બચાવ કેન્દ્ર
X

વડોદરા શહેર અને વડોદરા તાલુકામાં છેલ્લા 5 વર્ષમાં 24 હજારથી વધુ વન્યજીવોનું રેસ્ક્યુ કરી તેઓની સુરક્ષા અને સલામતી માટે સદૈવ તત્પર એવા વન્યજીવ પ્રબંધન અને બચાવ કેન્દ્રની કામગીરી રંગ લાવી છે.

અપાર કુદરતી સંપદા તેમજ સૌંદર્યનો લખલૂંટ અને અમૂલ્ય વારસો ધરાવતું આપણું ગુજરાત રાજ્ય બહુવિધ પ્રજાતિની વનસ્પતિઓનું વૈવિધ્ય, વસાહતો અને જીવસૃષ્ટિથી હર્યુંભર્યુ છે. ત્યારે રાજ્યના કુલ ભૌગોલિક વિસ્તારમાંથી ૧૦ ટકા વન વિસ્તાર ધરાવતા ગુજરાતમાં વન વિભાગના ખભે આવી જાય છે, વન્યજીવન અને વન વિસ્તારના રક્ષણ, સંરક્ષણ અને વિકાસ કરવાની મહત્વપૂર્ણ જવાબદારી. જવાબદારી સાથે આ જ ઉદ્દેશ્યને વરેલું રાજ્યનું વન વિભાગ જૈવસૃષ્ટિની વૈવિધ્યતાના જતન સાથે તમામ પ્રકારની જીવસૃષ્ટિના સંરક્ષણ માટે ૨૪X૭ કામ કરી રહ્યું છે.

વન વિભાગના મિશન-વિઝન અને ઉદ્દેશ્ય પર લખવા બેસીએ તો, કદાચ આ લેખ વધારે શબ્દો અને સમય માંગી લે. પરંતુ, આપણા વડોદરા શહેર અને વડોદરા તાલુકામાં છેલ્લા પાંચ વર્ષમાં કેટલા અને કયા-કયા પ્રકારના વન્યજીવોનું રેસ્ક્યુ થયું છે, તેના પર થોડો પ્રકાશ પાડીએ તો વડોદરાના સામાજીક વનીકરણ વિભાગની કાર્યશૈલીને સારી રીતે સમજી શકીએ. સૌથી પહેલા આંકડાકીય માહિતી સમજીએ તો, છેલ્લા પાંચ વર્ષમાં સામાજીક વનીકરણ વિભાગ, વડોદરાના તાબા હેઠળના વન્યજીવ પ્રબંધન અને બચાવ કેન્દ્રએ ૨૪,૬૦૦થી વધારે વન્યજીવોનું રેસ્ક્યું કર્યું છે. વર્ષવાર વાત કરીએ તો, વર્ષ ૨૦૧૭-૧૮માં ૩૭૫૫, વર્ષ ૨૦૧૮-૧૯માં ૪૫૩૪, વર્ષ ૨૦૧૯-૨૦માં ૫૪૮૩, વર્ષ ૨૦૨૦-૨૧માં ૪૯૩૭ તેમજ વર્ષ ૨૦૨૧-૨૨માં ૫૮૯૭ અલગ-અલગ પ્રકારના વન્યજીવોનો બચાવ કર્યો છે. આ વન્યજીવોમાં મોટા ભાગે સાપ, મગર અને વાનર પ્રજાતિનો સમાવેશ થાય છે. જોકે, આ ઉપરાંત અજગર, દીપડો, ઝરખ, કાચબા, નીલગાય, માંકડુ, ઝરખ, સાહુડી, પેરાગ્રીન ફાલ્કન, તાડબિલાડી, પાટલા ઘો, ખદમોર, સસલા, રોઝ, મોર, ઢેલ, વનીયર, શિયાળ, પક્ષીઓ સહિત અન્ય વન્યજીવોનો સમાવેશ થાય છે. હવે આ વિભાગ તથા વિશેષ રીતે આ કેન્દ્રમાં કઈ રીતે કામગીરી થાય છે, તેની વાત કરીએ. તમે કોઈ સાપ કે, અજગરને જોઈ ગયા અથવા રસ્તામાં કોઈ ઘાયલ વન્યજીવ પર નજર પડી કે પછી કોઈ વાનર તમને રંજાડે છે, તો તમે કોઈ વન્યજીવ રક્ષણ માટે કાર્યરત એન.જી.ઓ. અથવા તો સીધા જ આ વિભાગનો સંપર્ક કરો છો. ત્યારબાદ એન.જી.ઓ.ના સ્વંયસેવકો અથવા વન વિભાગના રેસ્ક્યુર આવીને તે પ્રાણી અથવા પક્ષીને પોતાની સૂઝબૂઝ, આવડત અને કૌશલ્યથી ત્યાંથી બચાવીને કારેલીબાગ સ્થિત વન્યજીવ પ્રબંધન અને બચાવ કેન્દ્ર પર લઈ આવે છે. અહીં લાવવામાં આવ્યા બાદ સૌપ્રથમ વેટરનિટી ડોક્ટર તેમનું નિરીક્ષણ કરે છે અને તબીબી પરીક્ષણ કરે છે. જો ઘાયલ હોય તો તેની સારવાર પણ કરવામાં આવે છે. ત્યારબાદ રેસ્ક્યુ કરાયેલા વન્યજીવને થોડો સમય સુધી અનુકૂળ વાતાવરણ પૂરું પાડવામાં આવે છે. આ તમામ ઔપચારિકતા બાદ તેને તેમના ક્ષેત્રમાં અથવા તો રિઝર્વ ફોરેસ્ટમાં સલામત રીતે છોડી દેવામાં આવે છે હવે, આ સંલગ્ન ક્ષેત્ર કે રિઝર્વ ફોરેસ્ટ – બે માંથી કઈ જગ્યાએ વન્યજીવને છોડવામાં આવશે તેની પસંદગીની પ્રક્રિયા પણ રોચક છે. જેમ કે મગરના રેસ્ક્યુ બાદ તેને વિશ્વામિત્રીમાં જ છોડી દેવામાં આવે છે. કોઈ વાનરના રેસ્ક્યુ બાદ તેને તેના વિસ્તારમાં જ છોડી દેવામાં આવે છે. પરંતુ જો કોઈ વાનર રંજાડતો હોય તો તેની સારવાર બાદ રિઝર્વ ફોરેસ્ટમાં છોડવામાં આવે છે, જ્યારે બાકીના વન્યજીવોને રિઝર્વ ફોરેસ્ટમાં જ છોડવામાં આવે છે. આ અંગે વધુ માહિતી આપતા તાલુકા વાઈલ્ડ લાઈફ વોર્ડન કરણસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે, વડોદરા શહેર કે, તાલુકા વિસ્તારમાં જો કોઈને વન્યજીવ મળી આવે છે, તો તાત્કાલિક ટોલ ફ્રી નંબર ૧૮૦૦ ૨૩૩ ૨૬૩૬ કે મોબાઈલ નંબર ૯૪૨૯૫૫૮૮૮૩, ૯૪૨૯૫૫૮૮૮૬ પર સંપર્ક કરો. તેમણે લોકોને વાઈલ્ડ લાઈફ સાથે સેલ્ફી લેવા કે ખોરાક આપવાની સ્પષ્ટ રીતે ના પાડી છે. અત્રે ખાસ નોંધવા જેવી બાબત છે કે, વડોદરા શહેર અને તાલુકામાં સામાજીક વનીકરણ રેન્જ ઉપરાંત ૧૦૦થી વધારે એન.જી.ઓ. વન્યજીવોના બચાવ અને રક્ષણ માટે કાર્યરત છે. જંગલો અને વન્યજીવન સંરક્ષણના વિઝન અને મિશનને વરેલું રાજ્યનું વન વિભાગ અને તેમના તાબા હેઠળનું સામાજીક વનીકરણ વિભાગ વન્યપ્રાણી સંરક્ષણના હિતમાં સતત પ્રયત્નશીલ અને પરિણામલક્ષી પણ છે.

Next Story