Connect Gujarat
વડોદરા 

વડોદરા : રૂ. 12 કરોડ લોનની લાલચે વેપારી પાસેથી રૂ. 20 લાખ ખંખેરનાર મહારાષ્ટ્રની ગેંગ ઝડપાય...

રૂ. 20 લાખ પડાવી લેનાર મહારાષ્ટ્રની ગેંગને વડોદરા પોલીસે નવસારીથી ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

X

મહારષ્ટ્ર-પુણેના એક વેપારીને રૂ. 12 કરોડની લોન આપવાના નામે વડોદરાની હોટલમાં બોલાવી રૂ. 20 લાખ પડાવી લેનાર મહારાષ્ટ્રની ગેંગને વડોદરા પોલીસે નવસારીથી ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. મળતી માહિતી અનુસાર, મહારષ્ટ્રના પુણેમાં રહેતા પ્રશાંત રન્નાવરે નામના વેપારીને પુણે પાસે એક વોટર પ્લાન્ટ નાખવો હોવાથી તેઓને રૂ. 12 કરોડની જરૂર હતી.

જેથી તેમણે કેટલાક મિત્રોને આ માટે વાત કરી રાખી હતી. આ પૈકીના એક મિત્રએ મહારાષ્ટ્રના રોહિત જાદવ નામના ભેજાબાજનો સંપર્ક કરાવ્યો હતો. રોહિત જાદવ સોશિયલ મીડિયા પર ખાનગી ધિરાણ અંગેની જાહેરાતો મુકતો હતો, અને મોટી રકમ આપવાની તૈયારી બતાવતો હતો. જેથી પુણેના વેપારી પ્રશાંતભાઈ તેના સંપર્કમાં આવ્યા હતા, અને 2 મહિનામાં ૩થી 4 વાર મીટીંગ પણ કરી હતી.

પુણેના વેપારીને લોનની રકમ માટે વડોદરામાં બેંક મેનેજર અજિત જોશીને મળવું પડશે તેમ કહી સૂર્યા પેલેસમાં તા. 5મીએ મીટીંગ રાખી હતી. જે મિટિંગ માટે પુણેથી રોહિત જાદવ, મેનેજર બનેલો અજીત તેમજ ડ્રાઇવર દીપક જેસવાણી અને અમર જેસવાણી મહારાષ્ટ્રથી વડોદરા આવ્યા હતા, જ્યાં હોટલના રૂમમાં પુણેના વેપારી પાસેથી રૂ. 20 લાખ લીધા હતા, અને તેમને વિશ્વાસમાં લેવા એક કોથળામાં રૂ. 12 કરોડ બતાવ્યા હતા.

જેથી વેપારીને શંકા ગઈ હતી. ત્યારબાદ ટોળકી વેપારીને બેંકની ઓફિસના નામે ભુતડીઝાપા વિસ્તારમાં લઈ ગઈ હતી, અને ત્યાં નકલી પોલીસ તરીકે વિક્રમ પવારની એન્ટ્રી થઈ હતી. ત્યારબાદ વેપારીને ધમકાવીને રવાના કરી દેવામાં આવ્યો હતો. તો બીજી તરફ, હોટલમાં મુકેલા 20 લાખ લઈને રોહિત જાદવ, અજીત તેમજ તેના સાગરીતો કારમાં ભાગી છુટ્યા હતા.

જેથી વેપારીએ સયાજીગંજ પોલીસ સ્ટેશનનો સંપર્ક કરતા પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ કરી હતી. ટોળકી નવસારી સુધી પહોંચી હોવાની વિગતો મળતા નવસારી પોલીસની મદદ લઈને ટોળકીને ઝડપી પાડવામાં આવી હતી. પોલીસે ટોળકીના 6 સાગરીતોને ઝડપી પાડી રૂ. 15 લાખ જપ્ત કર્યા હતા, જ્યારે ભાગી છૂટેલા અન્ય સાગરીતોની શોધખોળ જારી રાખી છે. ટોળકી પાસેથી રૂ. 15 લાખ રોકડા અને 20 મોબાઇલ મળી આવ્યા હતા, જ્યારે બીજા સાગરીતો રૂ. 5 લાખ લઈને ભાગી છુટ્યા હોવાથી તેની તપાસ કરવામાં આવી રહી છે...

Next Story