Connect Gujarat
વડોદરા 

વડોદરા : 4 મિનિટમાં રૂ. 40 લાખની ચોરીનો પ્રયાસ, SBI બેન્કના ATMમાં ત્રાટકેલા 2 તસ્કરો પોલીસના સકંજામાં...

સંગમ ચાર રસ્તા પાસે SBI બેન્કના ATMને તોડવાનો પ્રયાસ 2 તસ્કરો બેન્કના ATMમાં લગાવેલા CCTV કેમેરામાં કેદ થયા ગણતરીના કલાકોમાં જ પોલીસે બન્ને તસ્કરોને દબોચી લીધા

X

વડોદરા શહેરમાં રાત્રિ દરમ્યાન પોલીસ પેટ્રોલીંગના દાવાને પોકળ સાબિત કરતો કિસ્સો સામે આવ્યો છે. ગત રાત્રે કારેલીબાગ સંગમ ચાર રસ્તા પાસે આવેલા વિજયનગર એસ.બી.આઇ. બેન્કના ATMને તોડી પૈસા કાઢવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. પરંતુ ATMમાં રહેલા પૈસા કાઢવામાં તસ્કરો નિષ્ફળ રહ્યા હતા. બનાવની જાણ થતાં જ ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. પોલીસે CCTV કેમેરા તપાસ કરતાં તેમાં 2 તસ્કરો કેદ થયા હોવાનું જાણવા મળ્યું હતું. તસ્કરોનું પગેરું મેળવવા પોલીસે તલસ્પર્શી તપાસ હાથ ધરી હતી.

સમગ્ર મામલે પોલીસે 5 જેટલી અલગ અલગ ટીમ બનાવી હતી. જેમાં રોડ-રસ્તા, વાહનો, હોટલ, બાગ બગીચા સહિત અવાવરુ જગ્યાની તપાસના આદેશ આપવામાં આવ્યા હતા. એટલું જ નહીં, પોલીસ દ્વારા આરોપીઓના CCTV ફૂટેજ પણ પોલીસ ગ્રુપમાં શેર કરવામાં આવ્યા હતા. આ દરમ્યાન પોલીસે રાત્રિ બજારની ખાણીપીણીની લારીઓ પર તપાસ હાથ ધરતા 2 શકમંદ ઇસમો મળી આવ્યા હતા. પોલીસે બન્નેની આગવી ઢબે પૂછપરછ કરતાં બન્નેએ ATMમાં ચોરી કરવાનો પ્રયાસ કર્યો હોવાની કબુલાત આપી હતી. પોલીસ તપાસમાં આ બન્ને ઇસમો પૈકી ફતેપુરાનો રહેવાસી એવો મુખ્ય આરોપી મોહસીન ખાન મોહમદ ખાન પઠાણ મોજશોખનો શોખીન અને મિલકત સંબંધિત તેમજ ચેઇન સ્નેચિંગ સહિત લૂંટના ગુન્હાને અંજામ આપી ચૂક્યો છે. આ સાથે જ અન્ય એક આરોપી ખાલીદ નબીહુસેન પઠાણ કે, જે મોહસીન ખાન પઠાણનો મિત્ર છે, અને બન્ને મિત્રોએ સાથે મળી આ ગુન્હાને અંજામ આપવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, SBI બેન્ક દ્વારા આગલા દિવસે સાંજે આ ATMમાં 40 લાખ રૂપિયા ફીડ કરવામાં આવ્યા હતા. જો તસ્કરોએ ATM તોડ્યું હોત તો 40 લાખ રૂપિયાની ચોરીનો બનાવ બનતા શહેરમાં ચકચાર મચી જતે તેવું પોલીસનું માનવું હતું.

Next Story