કલાનગરી વડોદરા શહેરમાં પ્રખ્યાત રાજા રવિ વર્માના ચિત્રો સંગ્રહિત છે. હાલ દિવાળીના તહેવાર નિમિત્તે તેમના ચિત્રોને સન્માન આપવા માટે સહજ રંગોળી ગ્રૂપ દ્વારા રંગોળીથી રી-ક્રિએટ કરવામાં આવ્યા છે, ત્યારે ગોત્રી વિસ્તાર સ્થિત ઇસ્કોન મંદિર ખાતે તા. 29 ઓક્ટોબર સુધી તેઓના ચિત્ર પ્રદર્શન આયોજિત કરવામાં આવ્યું હતું.
દિવાળીનો તહેવાર બધા તહેવારોમાંથી સૌથી રંગીન તહેવાર છે. ખાસ કરીને આ તહેવારને રંગોળીના રંગોથી ઓળખાય છે, આ તહેવારમાં દરેકના ઘરે ઘરે તથા જાહેર સ્થળો પર પણ રંગોળી દોરવામાં આવતી હોય છે. જેથી દરેકનું જીવન પણ રંગોળી જેવું રંગીન બની રહે. જોકે, અગત્યની વાત એ છે કે, વડોદરા શહેર કલાનગરીથી ઓળખાય છે. અને આ કલાનગરીમાં પ્રખ્યાત રાજા રવિ વર્માના ચિત્રો પણ સંગ્રહિત છે. અને રાજા રવિ વર્મા પ્રથમ કલાકાર હતા જેમને ભગવાનના સ્વરૂપો લોકો સમક્ષ પોતાના ચિત્રો થકી પ્રદર્શિત કર્યા હતા. અને એમના ચિત્રોને સન્માન આપવા માટે શહેરના સહજ રંગોળી ગ્રૂપ દ્વારા રંગોળીથી રી-ક્રિએટ કરવામાં આવ્યા છે. જેનું પ્રદર્શન ઇસ્કોન મંદિર ખાતે આયોજિત કરવામાં આવ્યું છે. "સહજ કે સંગ, રાજા રવિ વર્મા કે રંગ" નામના શીર્ષક હેઠળ કુલ 14 રંગોળીનું પ્રદર્શન આયોજિત કરવામાં આવ્યું છે. જેને 16 કલાકારો દ્વારા 50થી 60 કલાકની અથાક મહેનત બાદ રજૂ કરવામાં આવ્યું છે.
સહજ રંગોળી ગ્રુપના સ્થાપક કમલેશ વ્યાસે જણાવ્યું કે, સહજ રંગોળી ગ્રૂપ છેલ્લા 7 વર્ષથી ઇસ્કોન મંદિરના પરિસરમાં રંગોળી પ્રદર્શનનું કરતું આવ્યું છે. અમે લોકો હંમેશા એક થીમ ઉપર જ રંગોળી બનાવતા હોય છે. આ વર્ષે રાજા રવિ વર્માના ચિત્રોને રી-ક્રિએટ કરવાનો પ્રયાસ કર્યો છે. જેની અંદર હિન્દુ દેવી દેવતાના ચહેરા અને સંસ્કૃત મહાકાવ્યોમાંથી આ રંગોળી બનાવવામાં આવી છે.