વડોદરામાં ગણેશજીને આવકારવા થનગનાટ
શ્રીજીની આગમન યાત્રા વેળા મચી નાસભાગ
શોભાયાત્રા દરમ્યાન અંદરોઅંદર થઈ ગેરસમજ
યાત્રામાં લોકોએ જય શ્રી રામના નારા લગાવ્યા
પોલોસે સ્થળ પર પહોંચી મામલો થાળે પાડ્યો
વડોદરા શહેરમાં શ્રીજીની આગમન યાત્રા ઉપર પથ્થરમારો થયો હોવાની અફવા ફેલાતા યાત્રામાં જોડાયેલા ભક્તોમાં ભારે નાસભાગ મચી જવા પામી હતી. જોકે, મામલો વધુ ઉગ્ર બને તે પહેલાં પોલીસે પરિસ્થિતિ ઉપર કાબુ મેળવ્યો હતો.
આગામી તા. 7 સપ્ટેમ્બરથી ગણેશોત્સવનો પ્રારંભ થઇ રહ્યો છે, ત્યારે વિવિધ ગણેશ મંડળો દ્વારા શ્રીજીને વાજતેગાજતે પંડાલમાં લઇ આવવાની શરૂઆત કરી દેવામાં આવી છે, ત્યારે વડોદરા શહેરના કરોડિયા ગામના શ્રીજીની આગમન યાત્રા ગત મોડીરાત્રે નીકળી હતી.
એક તરફ વરસાદ વરસી રહ્યો હતો. તો બીજી તરફ, આ યાત્રા નીકળી હતી. આ દરમ્યાન ડીજે કે, જેની ઉંચાઈ વધુ હતી, તેને વાયર નડતા દૂર ઊભું હતું, ત્યારે ડીજે અને ગણેશજીની પ્રતિમા વચ્ચેનું અંતર વધતા કેટલાક લોકોએ એવી અફવા ફેલાવી હતી કે, પથ્થરમારો થયો છે.
જેના પગલે નાસભાગ મચી હતી. ભક્તોમાં ભારે ભાગદોડ મચતા કેટલાક લોકો પોતાના પગરખા પણ ત્યાં જ છોડીને ભાગી ગયા હતા. શ્રીજીની આગમન યાત્રા સાથે પોલીસ બંદોબસ્ત હતો જ. પરંતુ ભાગદોડ થતાં પોલીસે પરિસ્થિતિ ઉપર કાબૂ મેળવ્યો હતો. આ ભાગદોડમાં કેટલાક વાહનોને પણ નુકસાન થયું હોવાનું જાણવા મળ્યું છે.