રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલએ વડોદરાના 'ડ્રોન પેન્યોર' ખુશી પંચાલની સિદ્ધિઓ અંગે પ્રસન્નતાની લાગણી વ્યક્ત કરી છે. તેમણે માત્ર ૨૩ વર્ષની ઉંમરે ડ્રોન ઉધોગીકા તરીકે કાઠુ કાઢનાર ખુશીની સિદ્ધિઓને બિરદાવતો પત્ર પાઠવ્યો છે.
રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલએ પત્રમાં જણાવ્યું છે કે, એકવીસમી સદી એ જ્ઞાનની સદી છે ત્યારે ટેકનોલોજીના વિનીયોગથી કામને સરળ બનાવવા અને અવરોધક સમસ્યાઓ ના ઉકેલની દિશામાં આપ સારું કામ કરી રહ્યા છે.પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જય જવાન, જય કિસાન, જય વિજ્ઞાનમાં જય અનુસંધાનનું સૂત્ર ઉમેર્યું એની તેમણે પત્રમાં યાદ અપાવી છે. ખુશી પંચાલે એરોનોટિકલ ઇજનેરીના અભ્યાસ દરમિયાન એરો મોડેલિંગ અને શાળા કોલેજો માટે ડ્રોન વર્ક શોપ યોજીને આ ક્ષેત્રમાં કારકિર્દીની શરૂઆત કરી હતી.
તેની સાથે તેમણે ડ્રોનની મદદથી લગ્નની સીનેમેટોગ્રાફી,રિયલ એસ્ટેટ ના માપ અને સ્થળ સ્થિતિની ચકાસણી જેવી સેવાઓ આપવાનું શરૂ કર્યું.કાર્યક્ષમતા ના સંવર્ધન માં અને ઔધોગિક ક્ષેત્રમાં જોખમ ઘટાડવામા ડ્રોન ટેકનોલોજીની ભૂમિકા સમજીને તેઓએ ઔધોગિક બાબતોમાં ડ્રોન ટેકનોલોજીની ઉપયોગિતા અને મહત્વની ભૂમિકા ઉજાગર કરવા ખુશીએ કંપનીની સ્થાપના કરી છે.
તેમની આ સાફલ્ય ગાથાને પત્રમાં બિરદાવવામાં આવી છે.તેની સાથે ખુશીની ઉદ્યોગ સાહસિકતા અને ટેકનોલોજીની સમજણ તેને આ સફળતા તરફ દોરી ગયાની લાગણી વ્યક્ત કરવામાં આવી છે. હાલમાં ખુશી તેની ડ્રોન ઉધ્યમિતા હેઠળ વિઝ્યુઅલ અને થર્મલ ઇન્સ્પેક્ષન, પવન ચક્કીના પંખીયાઓનું નિરીક્ષણ, જમીન અને નદીઓની માપણી, ખેતીમાં સ્પેસિંગ સહિતની વિવિધ સેવાઓ ઉદ્યોગ એકમોને ઉપલબ્ધ કરાવી રહ્યા છે.
તેમના લોકોને ડ્રોન ટેકનોલોજીની ઓળખ આપવાના, તાલીમ આપવાના અને એ રીતે સલામત કાર્ય સંસ્કૃતિને વેગ આપવાના પ્રયત્નોને સંવેદનશીલ મુખ્યમંત્રી એ જે રીતે બિરદાવ્યા છે. તે જોતાં ડ્રોન ઉધ્યોગીકા ખુશી પંચાલની સિદ્ધિઓ વડોદરા માટે પ્રેરક અને ગૌરવ લેવા યોગ્ય છે એવું કહેવું અસ્થાને નહીં ગણાય.