Connect Gujarat
વડોદરા 

વડોદરા : અભદ્ર ટિપ્પણી મામલે નવાપુરા પોલીસ મથક બહાર 2 જુથ વચ્ચે પથ્થરમારો, 11 શખ્સોની ધરપકડ...

નવાપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગત મોડી રાત્રે સોશિયલ મીડિયા પર ધાર્મિક ટિપ્પણીના મામલે પથ્થમારો થતા ચકમચ ઝરી હતી.

X

વડોદરા શહેરના નવાપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગત મોડી રાત્રે સોશિયલ મીડિયા પર ધાર્મિક ટિપ્પણીના મામલે પથ્થમારો થતા ચકમચ ઝરી હતી. જે મામલે પોલીસે અભદ્ર કોમેન્ટ કરનાર પાદરાના શાહિદ પટેલ સહિત 11 શખ્સોની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

વડોદરામાં ગત મોડી રાત્રે સોશિયલ મીડિયા પર ધાર્મિક ટિપ્પણી મામલે બોલાચાલી થયા બાદ સમગ્ર મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો. ઇન્સ્ટાગ્રામ પર ધાર્મિક લાગણી દુભાય તેવી કોમેન્ટ બાબતે કેટલાક યુવાનો વડોદરાના નવાપુરા પોલીસ સ્ટેશન બહાર એકત્ર થયા હતા. આરોપીની ધરપકડ કરવાની માગ સાથે વિરોધ પ્રદર્શન કરી રહ્યા હતા. આ સમયે ખાટકીવાડની ગલીમાંથી અચાનક જ 150 લોકોનું ટોળું ધસી આવ્યું હતું, અને પથ્થરમારો શરૂ કરી દીધો હતો. ઘટનાને પગલે પોલીસે ટોળાને કાબૂમાં લઇને મામલો થાળે પાડ્યો હતો. ઘટનાની જાણ થતાં DCP લીના પાટીલ દોડી આવ્યા હતા, અને સમગ્ર વિસ્તારમાં કોમ્બિંગ હાથ ધર્યું હતું. આ સાથે જ પોલીસે પથ્થરમારો કરનારા આરોપીઓની શોધખોળ પણ શરૂ કરી હતી. જોકે, પથ્થરમારા સમયે વિરોધ કરી રહેલા યુવાનો પર પોલીસે લાઠીચાર્જ પણ કર્યો હતો. પથ્થરમારામાં કેટલીક લારીઓને નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું. હિન્દુ સંગઠનના યુવાનોએ આક્ષેપ કર્યો હતો કે, જે લોકો પથ્થરમારો કરીને ભાગી ગયા તેની સામે પોલીસ કાર્યવાહી કરતી નથી, અને અમારી પર લાઠીચાર્જ કર્યો. પરંતુ સમગ્ર ઘટનાના વીડિયો સામે અવ્યા છે. જેમાં જોઈ શકાય છે કે, બંને બાજુથી પથ્થરમારો થઈ રહ્યો છે. જે બાદ નવાપુરા પોલીસની ટીમે તુરંત જ એક્શનમાં આવી ટોળાને વિખેર્યું હતું. જોકે, આ ઘટનામાં વિરોધ કરી રહેલા કેટલાક યુવાનો ઇજાગ્રસ્ત થયા હતા. પોલીસે ટોળાને કાબૂમાં લઇને 100થી 150 લોકોના ટોળા સામે ફરિયાદ નોંધી છે. ઉપરાંત સમગ્ર વિસ્તારમાં કોમ્બિંગ સાથે આરોપીઓની શોધખોળ શરૂ કરવામાં આવી હતી. જોકે, પોલીસની હાજરી જ પથ્થરમારો થતાં પોલીસે અભદ્ર કોમેન્ટ કરનાર પાદરાના શાહિદ પટેલ સહિત 11 શખ્સોની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સાથે જ આ પૂર્વ આયોજિત કાવતરું હતું કે, કેમ તે અંગે પણ પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. ઉપરાંત લોકો ફેક આઈડીથી આવતા કોમેન્ટ પર ભડકે નહીં તેવી પણ પોલીસે અપીલ કરી છે.

Next Story