Connect Gujarat
વડોદરા 

વડોદરા : મિટીંગો બંધ કરો, કામ પર ધ્યાન આપો, કેમ સી.આર.પાટીલને મેયરને આવું કહેવું પડયું

વડોદરામાં રખડતા ઢોર અને ભિક્ષુકોના મામલે પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલે મેયર કેયુર રોકડીયાને જાહેરમાં ઝાટકી નાંખ્યા

X

વડોદરામાં રખડતા ઢોર અને ભિક્ષુકોના મામલે પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલે મેયર કેયુર રોકડીયાને જાહેરમાં ઝાટકી નાંખ્યા બાદ રાજકારણમાં ગરમાવો જોવા મળી રહયો છે.

ગુજરાત પ્રદેશ અધ્યક્ષે રાજયને ઢોરમુકત બનાવવા હાકલ કરી છે ત્યારે વડોદરા મહાનગર પાલિકાના ભાજપ સત્તાધીશોએ પણ 15 દિવસમાં રખડતા ઢોરોને દુર કરી દેવાની જાહેરાત કરી છે પણ હજી સ્થિતિમાં કોઇ સુધારો આવ્યો નથી. આજે પણ તમને મુખ્ય માર્ગો પર લટાર મારતાં કે પછી અડીંગો જમાવીને બેઠેલા પશુઓ જોવા મળી જ જશે.

વડોદરા સરદાર ધામ ખાતે આયોજિત પ્રમોશનલ પ્રોગ્રામમાં ભાજપના પ્રદેશપ્રમુખ સી. આર. પાટીલે જાહેર મંચ પરથી મેયર કેયુર રોકડિયાની કામગીરી સંદર્ભે સવાલો ઉઠાવ્યા હતાં. સી.આર.પાટીલે કહયું હતું વડોદરાના મેયરની કામગીરી બહુ ધીમી છે. રખડતાં ઢોર અને ભિક્ષુકો મામલે તેઓ મીટીંગો જ કરી રહયાં છે. મીટીંગો બંધ કરી હવે કામ કરો.. સી.આર.પાટીલ જયારે આ બોલી રહયાં હતાં ત્યારે મેયર કેયુર રોકડીયા પણ કાર્યક્રમમાં હાજર હતાં.

પ્રદેશ ભાજપ અધ્યક્ષે ઝાટકણી કાઢતાં મેયરની આબરૂની ધુળધાણી થઇ છે. તેમણે અધિકારીઓની બેઠક બોલાવી સ્થિતિની સમીક્ષા કરી છે. તેમણે પોતાની કામગીરી મીડીયા સમક્ષ રજુ કરી હતી. તેમણે રાજ્યની સરખામણીએ વડોદરા મહાનગરપાલિકાની કામગીરી શ્રેષ્ટ ગણાવી સીઆરપાટીલને કોઈએ ગેરમાર્ગે દોર્યા હોવાનું જણાવ્યું હતું.

Next Story