બેલગામ થાર કારે યુવકનો લીધો જીવ
મહિલા કાર ચાલકની તેજ રફતારે સર્જ્યો અકસ્માત
મોપેડ સવાર યુવકને જોરદાર ટક્કર મારતા ફંગોળાયો
ગંભીર ઈજાને પગલે યુવકનું નીપજ્યું કરૂણ મોત
પોલીસે મહિલા કાર ચાલકની કરી ધરપકડ
વડોદરા શહેરના પશ્ચિમ વિસ્તારમાં મોડી રાત્રે બેલગામ દોડતી થાર કારની મહિલા ચાલકે એક યુવકને અડફેટે લેતા ગોઝારો અકસ્માત સર્જાયો હતો.જેમાં યુવકનું ઘટનાસ્થળ પર જ પ્રાણપંખેરુ ઉડી ગયું હતું.
વડોદરા શહેરના પશ્ચિમ વિસ્તારમાં મોડી રાત્રે અકસ્માતની ચોંકાવનારી ઘટના સામે આવી છે. એક મહિલા દ્વારા બેફામ ગતિએ વાહનો હંકારવાની લ્હાયમાં વધુ એક નિર્દોષ યુવકે પોતાનો જીવ ગુમાવ્યો છે. અક્ષર ચોકથી સન ફાર્મા રોડ પર પૂરપાટ ઝડપે આવતી થારે એક યુવકને અડફેટે લેતા તેનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું.
ગત મોડી રાત્રે અભિષેક મોરે નામનો યુવક અક્ષર ચોકથી સન ફાર્મા રોડ પરથી મોપેડ પર પસાર થઈ રહ્યો હતો. આ દરમિયાન ઋષિકા સરનાની નામની મહિલા પોતાની થાર ગાડી લઈને પૂરપાટ ઝડપે આવી રહી હતી. મહિલાએ વાહન પરનો કાબૂ ગુમાવતા અભિષેકને જોરદાર ટક્કર મારી હતી. આ ટક્કર એટલી ભીષણ હતી કે અભિષેક ફંગોળાયો હતો અને તેને માથા તેમજ શરીરના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા તેને ઘટનાસ્થળે જ દમ તોડ્યો હતો.
ઘટનાની જાણ થતા જ અટલાદરા પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસે અભિષેકનો મૃતદેહ કબ્જે કરી હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ અર્થે ખસેડ્યો હતો. મૃતકના પિતા વાસુદેવભાઈ મોરેએ અટલાદરા પોલીસ સ્ટેશનમાં થાર ચાલક મહિલા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. પોલીસે અકસ્માતનો ગુનો નોંધી મહિલા ચાલકની ધરપકડ કરી હતી,અને વાહન જપ્ત કરીને વધુ તપાસ શરૂ કરી હતી.