/connect-gujarat/media/post_banners/184429cfbe530d9990b3525024eddc0fd33a990e1a47708cc45d7494ae653245.jpg)
ગાંધીનગર ખાતે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં ફોર્ડ કંપનીના સાણંદ ખાતેના પ્લાન્ટ અને ટાટા મોટર્સ વચ્ચે મહત્વપૂર્ણ હસ્તાંતરણ માટેના MOU કરવામાં આવ્યા હતા. ગુજરાત સરકાર, ટાટા મોટર્સ અને ફોર્ડ કંપની વચ્ચે ત્રિપક્ષીય કરાર કરવામાં આવ્યા છે. જે અંતર્ગત ફોર્ડ કંપનીના 25 હજારથી વધુ કર્મચારીઓને ટાટા મોટર્સમાં સમાવી લેવામાં આવશે. ગુજરાત સરકારની સક્રિયતાથી આ સૂચિત હસ્તાંતરણ શક્ય બન્યું છે. આ પ્રક્રિયાના પગલે ગુજરાતમા ઈલેક્ટ્રીક વાહનોના ઉત્પાદનને વેગ મળશે અને એન્વાર્યમેન્ટ ફ્રેન્ડલી ગ્રીન મોબીલિટીના વિચારને બળ પ્રાપ્ત થશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ફોર્ડ મોટર્સ પ્લાન્ટમાં 3043 કર્મચારીઓને સીધી રોજગારી અને અંદાજે 20 હજાર લોકોને આડકતરી રોજગારી પ્રાપ્ત થાય છે. ફોર્ડ મોટર્સે વર્ષ 2011માં મેગા-ઈનોવેટીવ યોજના હેઠળ સ્ટેટ સપોર્ટ એગ્રીમેન્ટ કર્યા હતા. હાલમાં 350 એકર જમીનમાં વ્હીકલ એસેમ્બલી પ્લાન્ટ અને 110 એકરમાં એન્જિન પ્લાન્ટ છે. આ ત્રિપક્ષીય સમજૂતિ કરાર વેળાએ ગાંધીનગર ખાતે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, અધિક મુખ્ય સચિવ ડો. રાજીવકુમાર ગુપ્તા, ટાટા મોટર્સના એમડી શૈલેષ ચંદ્રા અને ફોર્ડ ઈન્ડિયાના ટ્રાન્સફર્મેશન ઓફિસર અને કંટ્રી હેડ બાલાસુંદરમે હસ્તાક્ષર કર્યા હતા.