-
સીએમના કાર્યક્રમમાં થયો હોબાળો
-
બે મહિલાઓએ સીએમને કરી રજૂઆત
-
હરણી બોટકાંડની બે મહિલાઓએ મચાવ્યો હોબાળો
-
મુખ્યમંત્રીએ મહિલાઓને કાર્યક્રમ બાદ મળ્યા
-
પોલીસે મહિલાઓ સહિત તેમના પતિને કર્યા ડિટેઇન
વડોદરામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનાં કાર્યક્રમમાં બે મહિલાઓએ હોબાળો કર્યો હતો.અને સીએમને કોઈ મળવા નથી દેતા તેવી રજૂઆત કરી હતી. મહિલાઓની રજૂઆત સામે CMએ કાર્યક્રમ પછી મળવા અંગે જણાવ્યું હતું.
વડોદરાના દીનદયાળ ઉપાધ્યાય ઓડિટોરિયમમાં મુખ્યમંત્રી દ્વારા રૂપિયા 1,156 કરોડના વિકાસકાર્યોનું લોકાર્પણ-ખાતમૂહુર્તના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ પોતાનું ભાષણ આપી રહ્યા હતા,ત્યાં અચાનક જ હરણી બોટકાંડની બે મહિલા બોલવા માંડી હતી કે દોઢ વર્ષથી મળવા માંગીએ છીએ, કોઈ મળવા દેતું નથી.
ત્યારબાદ મુખ્ય પ્રધાને કહ્યું, તમે કોઈ એજન્ડા સાથે પ્રીપ્લાનથી આવ્યા છો, મને મળીને જ જજો.આવાસ યોજનાના મકાન ન ફાળવવા બાબતે સંધ્યા નિઝામા અને સરલા શિંદેએ ચાલુ કાર્યક્રમમાં રજૂઆત કરી હતી.
મુખ્ય પ્રધાનનું સંબોધન પૂર્ણ થતાં બંને મહિલા ફરી ઉભી થઈ હતી અને રજૂઆતનો પ્રયાસ કરતા પોલીસ બંને મહિલા સંધ્યા નિઝામા અને સરલા શિંદેને બળજબરીથી પકડીને બહાર લઈ ગઈ હતી. બાદમાં મુખ્ય પ્રધાને બંને મહિલાને મળવા બોલાવી હતી. બંને મહિલાના પતિ પંકજ શિંદે અને કલ્પેશ નિઝામાને પોલીસે ડિટેઇન કર્યા હતા.
વિવાદ બાદ કલ્પેશ નિઝામાએ જણાવ્યું કે, મારા પત્નીને ડિટેઇન કરવામાં આવ્યા હતા. અમે બાળકોને ગુમાવ્યા છે એટલે અમે ગુનેગાર છીએ. અમારી વાત કોઈ સાંભળતું નથી. અમને નજરકેદ કરવામાં આવે છે, શું અમે આતંકવાદી છીએ? ગુનેગાર છીએ? પોલીસનું આવું ખરાબ વર્તન યોગ્ય નથી.
આ પહેલા મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે સર્કિટ હાઉસ ખાતે પાલિકાના અધિકારીઓ અને પદાધિકારીઓ સાથે વિશ્વામિત્રી પ્રોજેક્ટ અંતર્ગત રિવ્યુ બેઠક કરી હતી. બેઠક બાદ મંગલપાંડે રોડ વિશ્વામિત્રી નદી કિનારે મુખ્ય પ્રધાને વિશ્વામિત્રી નદીમાં ચાલી રહેલી કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. નદી કિનારે મ્યુનિસિપલ કમિશનર અને સિટી એન્જિનિયર દ્વારા પ્રોજેક્ટ અંતર્ગત માહિતી આપવામાં આવી હતી.