વડોદરાના ચકચારી દુષ્કર્મ કેસમાં આરોપી અને પાવાગઢના મહાકાળી મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટી રાજુ ભટ્ટને જુનાગઢથી દબોચી લેવાયા બાદ તેને વડોદરાની ક્રાઇમ બ્રાંચની કચેરીએ લવાયો હતો...
વડોદરા શહેરની એક ખાનગી યુનિવર્સિટીમાં કાયદાનો અભ્યાસ કરતી 24 વર્ષીય વિદ્યાર્થિનીએ તા.19 મી સપ્ટેમ્બરે અત્રેના ગોત્રી પોલીસ સ્ટેશનમાં શહેરના જાણીતા ચાર્ટડ એકાઉન્ટન્ટ અશોક જૈન અને પાવાગઢ ટેમ્પલ ટ્રસ્ટના ટ્રસ્ટી હેમંત ઉર્ફે રાજુ ત્રંબકલાલ ભટ્ટ સામે દુષ્કર્મની ફરીયાદ નોંધાવી હતી. હાઇ પ્રોફાઇલ કેસ હોવાથી પોલીસ કમિશ્નર ડૉ. શમશેરસિંગે કેસની તપાસ ગોત્રી પોલીસ પાસેથી લઇ ક્રાઇમ બ્રાંચને સોંપી હતી. આ કેસના બંને આરોપી ફરાર હોવાથી તેમને ઝડપી પાડવા વડોદરાનું આખું પોલીસતંત્ર કામે લાગ્યું છે. દરમિયાન આરોપી રાજુ ભટ્ટનું લોકેશન જુનાગઢ મળી આવ્યું હતું તેમન તે જુનાગઢમાં કાળવા ચોક પાસે એક એડવોકેટને મળવા માટે જવાનો છે તેવા ઈનપુટ વડોદરા ક્રાઇમ બ્રાંચની ટીમને મળ્યાં હતાં.
બીજી તરફ વોન્ટેડ આરોપીને ભાગી જવાનો મોકો ના મળે તે માટે ક્રાઈમ બ્રાન્ચના એ.સી.પી. ડી.એસ.ચૌહાણે જુનાગઢના ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજા સાથે સંપર્ક કરીને જોઈન્ટ ઓપરેશન હાથ ધર્યુ હતુ. જુનાગઢ એલ.સી.બી. અને એસ.ઓ.જી.ની ટીમે કાળવા ચોક પાસે વોચ ગોઠવી હતી. અને ફોર્ચ્યુનર કારમાં બેસવા જઈ રહેલાં રાજુ ભટ્ટને દબોચી લીધો હતો. વડોદરા ક્રાઈમ બ્રાન્ચની ટીમ રાજુ ભટ્ટને લઈને મોડી રાત્રે વડોદરા આવી હતી.રાજુ ભટ્ટને ભગાડવા માટે મદદગારી કરનારા હાર્મની હોટલના માલીક કાનજી અરજણ મોકરીયાની ગઈકાલે સોમવારે રાતે ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી હતી.જેમનો કોવિડ રીપોર્ટ આજે નેગેટીવ જાહેર થતાં મંગળવારે સાંજે દુષ્કર્મના કેસમાં ધરપકડ કરવામાં આવી છે . કાનજીને આવતીકાલે કોર્ટ સમક્ષ રજુ કરીને રીમાન્ડની માંગણી કરવામાં આવશે તેમ એ.સી.પી. ક્રાઈમ ડી.એસ. ચૌહાણે જણાવ્યુ હતું. કાનજી મોકરીયાની ધરપકડના કલાકો બાદ જ રાજુ ભટ્ટ પોલીસને હાથ લાગી ગયો છે. આ કેસના અન્ય ફરાર આરોપી અશોક જૈનને પણ ટુંક સમયમાં ઝડપી લેવાશે તેમ પોલીસ અધિકારીઓએ જણાવ્યું છે.