/connect-gujarat/media/post_banners/0004057ad28219bad804bd4a2c2b207872f6ca9346eebdbd80e36bb10a05a450.jpg)
વડોદરામાં રહેતી યુવતી સાથે દુષ્કર્મના કેસમાં બે શકમંદોને રાઉન્ડઅપ કરી તેમની આકરી પુછપરછ કરાય રહી છે. બીજી તરફ વડોદરાના પોલીસ કમિશ્નરે પણ વેકસીન ગ્રાઉન્ડની મુલાકાત લીધી હતી. વેકસીન ગ્રાઉન્ડ એ જ જગ્યા છે જયાં મૃતક યુવતી સાથે દુષ્કર્મ કરાયું હતું....
મુળ નવસારીની અને વડોદરાની ઓએસીસ નામની સેવાભાવી સંસ્થામાં કામ કરતી યુવતીએ થોડા દિવસ પહેલાં વલસાડમાં ગુજરાત કવીન ટ્રેનના ડબ્બામાં ગળેફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. કોઇ પણ યુવતી ટ્રેનના ડબ્બામાં આપઘાત કરે તેવો કિસ્સો જવલ્લેજ જોવા મળતો હોય છે. યુવતીના મૃતદેહ પાસેથી એક બેગ અને ડાયરી મળી આવી હતી. ડાયરીના ચાર પાનામાં યુવતીએ જે ઘટના વર્ણવી હતી તે વાંચીને પોલીસ પણ ચોંકી ઉઠી હતી. યુવતીએ તેની ડાયરીમાં લખ્યું હતું બે યુવાનોએ તેનું રીકશામાં અપહરણ કર્યું હતું અને બાદમાં નિર્જન સ્થળે લઇ જઇ તેની સાથે દુષ્કર્મ કર્યું હતું.....
ડાયરીની વિગતો સામે આવ્યાં બાદ તપાસનો દોર વડોદરા તરફ લંબાયો.. વડોદરામાં તપાસ દરમિયાન જાણવા મળ્યું કે યુવતી સાથે જુના પાદરા રોડ પર આવેલાં વેકસીન ગ્રાઉન્ડ પર ગેંગરેપ થયો છે. યુવતી જગદીશ ફરસાણવાળી ગલીમાંથી પસાર થતી હતી ત્યારે રીકશામાં આવેલાં બે યુવાનોએ તેની સાયકલને ટકકર મારી હતી. યુવતીની આંખે પાટા બાંધી તેને વેકસીન ગ્રાઉન્ડ ખાતે લઇ ગયાં હતાં. જયાં તેના મોંઢામાં ડુચા મારી બંને યુવાનોએ વારાફરતી દુષ્કર્મ કર્યું હતું. આ સમયે ગ્રાઉન્ડમાં લકઝરી બસ પાર્ક કરવા આવેલાં ડ્રાયવરે યુવતીને જોઇ હતી અને તેને ચકલી સર્કલ સુધી લઇ જઇ તેની બહેનપણીને સુપ્રત કરી હતી. પોતાની સાથે બનેલી ઘટના બાદ યુવતી આઘાતમાં આવી ગઇ હતી અને તે તેના ઘરે ગઇ હતી અને ઘરેથી મરોલી જવાનું કહીને નીકળ્યાં બાદ તેણે ગુજરાત કવીન ટ્રેનના ડબ્બામાં જ આપઘાત કરી લીધો હતો.
યુવતીની ડાયરીના ચાર પાનામાં તેનું દર્દ છલકાય ઉઠયું છે. દુષ્કર્મનો ભોગ બનેલી યુવતીને કોઇનો સથવારો મળ્યો ન હતો અને આખરે નાસીપાસ થઇ તેણે જીવનલીલા સંકેલી લીધી છે. બીજી તરફ આરોપીઓને પકડી પાડવા માટે રાજયની વિવિધ એજન્સીઓ પણ જોડાઇ છે. અત્યાર સુધીમાં વડોદરામાં જ 500થી વધારે જગ્યાએ લાગેલા સીસીટીવીના ફુટેજ તપાસવામાં આવ્યાં છે. બીજી તરફ વડોદરાના પોલીસ કમિશ્નર ડૉ. શમશેરસિંગે પણ વેકસીન ગ્રાઉન્ડની મુલાકાત લીધી હતી. બીજી તરફ બે શકમંદોને રાઉન્ડ અપ કરી તેમની આકરી પુછપરછ કરાય રહી છે. મંગળવારે રાજયના મુખ્યમંત્રી વડોદરા આવી રહયાં છે ત્યારે તે પહેલાં પોલીસ મોટો ખુલાસો કરે તેવી સંભાવના છે.....