/connect-gujarat/media/post_banners/4683af589fe0b8ab6350814b8b47217517dda54edba6fe6b94820b762b53db26.webp)
જૂનાગઢમાં મધરાતે ત્રણ મિત્રએ અકસ્માતમાં જીવ ગુમાવ્યા હતા. મોડીરાત્રે ઘરે જઈ રહેલા ત્રણ મિત્રને બાંટવા નજીક ઈકોચાલકે કચડી નાખ્યા હતા, જેથી ગંભીર ઈજા પહોંચતા રોડ પર જ તડફડિયાં મારતાં મારતાં ત્રણેય મિત્રોએ જીવ ગુમાવ્યા હતા. તેમનાં પરિવારજનોની સાથે સાથે સમગ્ર બાંટવા પંથકમાં શોકનો માહોલ છવાયો છે. બીજી તરફ, ત્રણેયને કચડી ઈકાચાલક વાહન ત્યાં જ છોડીને ફરાર થઈ ગયો હતો.
આ અકસ્માત એટલો ગંભીર હતો કે બાઈકનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો તેમજ બાંટવા-પાજોદ રોડ મધરાતે લોહિયાળ થયો હતો. અકસ્માત થયાની જાણ થતાં આસપાસ વિસ્તારોના લોકો એકઠા થયા હતા. બાઈક સાથે અકસ્માત સર્જી ઈકો કારચાલક ફરાર થઈ ગયો હતો. બીજી તરફ, ઘાયલ થયેલા ત્રણેય મિત્રને પ્રથમ માણાવદર અને ત્યાર બાદ જૂનાગઢની સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જોકે હોસ્પિટલમાં સારવાર માટે લઈ જતાં ફરજ પરના ડોક્ટરોએ ત્રણેયને મૃત જાહેર કર્યા હતા.
ત્રણેય મિત્રોનાં પરિવારજનો હોસ્પિટલ દોડી આવ્યાં હતાં. સિવિલ હોસ્પિટલમાં એકસાથે ત્રણેયના મૃતદેહને પડેલા જોઈ પરિવારમાં વલોપાતનું વાદળ ફાટ્યું છે. બાંટવા-પાજોદ રોડ પર થયેલા અકસ્માત મામલે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. બીજી તરફ, સમગ્ર બાંટવા પંથકમાં અને યુવકોનાં પરિવારજનોમાં શોકનો માહોલ છવાયો છે. ત્રણ મિત્રનાં અકાળે મોત થતાં વાતાવરણમાં ગમગીની છવાઈ ગઈ હતી.