અંકલેશ્વરના ગ્રામ્ય વિસ્તારમાં છેલ્લા ઘણા મહિનાઓથી વારંવાર વીજ પુરવઠો ખોરવાતા ગ્રામજનો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. અનેક ગામોમાં દિવસ દરમિયાન અનેક વખત વીજળી જતી રહેતી હોવાથી સતત અને નિરંતર 24 કલાક વીજ પુરવઠો હવે ગ્રામજનો માટે માત્ર એક સપનું બની ગયો હોવાનું લોકોમાં ચર્ચાઈ રહ્યું છે.વીજ ગ્રાહકો માટે સ્માર્ટ મીટર લગાવી મીટર અપગ્રેડ કરવાની કામગીરી કરવામાં આવી છે, પરંતુ બીજી તરફ વીજ પુરવઠો સ્થિર રહે અને વારંવારના વીજ કાપને રોકવા માટે DGVCL, GETCO અથવા રાજ્ય સરકાર દ્વારા કોઈ અસરકારક અને લાંબા ગાળાનું આયોજન દેખાતું નથી એવા ગ્રામજનો આક્ષેપ કરી રહ્યા છે. અનિયમિત વીજ પુરવઠાના કારનણે વિદ્યાર્થીઓ, ખેડૂતો, વેપારીઓ અને રોજિંદા જીવન સાથે સંકળાયેલા હજારો લોકો મુશ્કેલીમાં મુકાઈ રહ્યા છે.

ગ્રામજનોનું કહેવું છે કે જો આવનાર દિવસોમાં પણ વીજ પુરવઠાની આ જ સ્થિતિ યથાવત રહેશે અને તેને અટકાવવા માટે કોઈ નક્કર આયોજન નહીં કરવામાં આવે તો કૃષિ, નાના વેપાર, વિદ્યાર્થીઓના અભ્યાસ અને ગ્રામ્ય અર્થતંત્રને મોટું નુકસાન સહન કરવું પડી શકે છે.

આ અંગે દક્ષિણ ગુજરાત વીજ કંપની અંકલેશ્વર ગ્રામ્ય ડિવિઝનના કાર્યપાલક ઈજનેર મિતુલ ચૌધરીએ કનેક્ટ ગુજરાત સાથેની ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે થોડા દિવસ અગાઉ વધુ વરસાદની પરિસ્થિતિના કારણે વીજ પુરવઠો ખોરવાયો હતો. સાથે જ હાલ રૂરલ ડિવિઝનના જુના દીવા ગામ નજીક નવું સબ સ્ટેશન બનાવવાની પ્રક્રિયા ચાલી રહી છે.નવું સબ સ્ટેશન બનાવથી 12 જેટલા ગામોને તેનો સીધો ફાયદો થશે. આ ઉપરાંત હાલ અંડર ગ્રાઉન્ડ કેબલ નાંખવાની કામગીરી ચાલી રહી છે જેના કારણે ક્યારેક વીજ સમસ્યા સર્જાય હોય શકે છે.