વાગરા : ગુરૂવારી બજાર શરૂ કરવાની માંગ સાથે ધંધાર્થીઓએ મામલતદારને આવેદન આપ્યું

New Update
વાગરા : ગુરૂવારી બજાર શરૂ કરવાની માંગ સાથે ધંધાર્થીઓએ મામલતદારને આવેદન આપ્યું

વાગરામાં ભરાતા ગુરૂવારી હાટ બજાર પર સ્થાનિક તંત્ર દ્વારા રોક લગાવ્યા બાદ બેરોજગાર બનેલા ધંધાદારીઓએ મામલતદાર અધિકારીને આવેદન આપી પુનઃ શરૂ કરવા માંગ કરી છે.

વાગરા નગરમાં દર ગુરૂવારના દિવસે ગુરૂવારી હાટ બજાર ભરાય છે. જેમાં વિવિધ પ્રકારનો ધંધો કરી ધંધાર્થીઓ અને લારીધારકો રોજીરોટી મેળવે છે. કોરોના સંક્રમણ વચ્ચે ગુરૂવારી બજારમાં ભીડ એકઠી થવા તેમજ કોવિડ નિયમોના ભંગના લઈને કેટલાક ઇસમો દ્વારા અરજી કરવામાં આવતા સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા હાટ બજાર પર રોક લગાવી બંધ કરવી દેવામાં આવ્યું હતું, લોકડાઉન દરમિયાન 6 મહિના સુધી બજાર બંધ રહેતા ધંધાદારીઓની આર્થિક હાલત કફોડી બની છે. માંડ હાટ બજાર ફરી ખૂલ્યું ત્યાં તંત્ર દ્વારા બંધ કરવાતા વેપારીઓની હાલત પડતા પર પાટુ જેવી થઈ છે.

દર ગુરૂવારના રોજ ભરાતા હાટ બજારમાં 100થી વધુ ધંધાર્થીઓ ધંધો કરી રોજી મેળવે છે. આસપાસના ગામો તેમજ દૂરદરાજ થી ફેરિયાઓ તેમજ ધંધાદારીઓ ધંધો કરવા વાગરા આવતા હોય છે. બચ્ચો કા ઘર શાળાની સામેના મેદાનમાં ભરાતા બજારમાં ગ્રામજનો સસ્તા અને વ્યાજબી ભાવે જરૂરિયાતની વસ્તુઓ ખરીદી કરવા માટે આવતા હોય છે. કટલરી, કપડાં તેમજ ખાણીપીણીના સ્ટોલ અહીં લાગે છે. જ્યાં ધંધો કરી ધંધાર્થીઓ પરિવારનું પેટ ભરે છે. પરંતુ હાટ બજાર બંધ કરાવ્યા બાદ તેમની હાલત દયનીય બની છે. બેરોજગારીના કારણે ઘર ચલાવવા સહિતની મુશ્કેલીઓ વેઠી રહેલા ધંધાર્થીઓ આજે હારી થાકીને મામલતદાર અધિકારી પાસે પહોંચ્યા હતા.

કોરોના મહામારી વચ્ચે આર્થિક રીતે પડી ભાંગેલા વ્યાપારીઓએ મામલતદાર અધિકારીને આવેદન પત્ર પાઠવ્યુ હતું. હાટ બજારના સંચાલક મહબૂબ ચાવડાના જણાવ્યા અનુસાર 100થી વધુ ઘરો આ બજારથી ચાલે છે. જેના પર રોક લગાવી દીધા બાદ ધંધાદારીઓનું ઘર ચલાવવું મુશ્કેલ બન્યું હતું. કેટલાક તત્વો દ્વારા અરજી આપી આ બજાર બંધ કરાવવામાં આવ્યું હતું. જેને નિયમોને આધીન પુનઃ શરૂ કરવા માટે મામલતદારને રજૂઆત કરવામાં આવી હતી. જે રજૂઆત માન્ય રાખી મામલતદાર અધિકારીએ બજારના સ્થળનું નિરીક્ષણ કરી નિયમો સાથે ફરીથી શરૂ કરવાની પરવાનગી માટેની બાહેંધરી આપી છે. ધંધાર્થીઓએ માસ્ક તેમજ સોશિયલ ડિસ્ટન્સ જાળવી આવેદન પાઠવ્યું હતું.

Latest Stories