મહાત્મા ગાંધીજીની જન્મજયંતી તથા ઝાડેશ્વર સ્થિત BAPS સ્વામિનારાયણ મંદિરના 25 વર્ષ પૂર્ણ થવાના ઉપલક્ષમાં રજતજયંતિ મહોત્સવની ઉજવણી અંતર્ગત તા. 2 ઑક્ટોબરના રોજ ભરૂચ શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વિશાળ ‘મહા સ્વચ્છતા અભિયાન’નું આયોજન કરવામાં આવ્યું હતું.

BAPSના વર્તમાન ગુરુહરિ બ્રહ્મસ્વરૂપ પ.પૂ. મહંતસ્વામી મહારાજની પ્રેરણા અને આશીર્વાદથી યોજાનાર સેવાયજ્ઞમાં હરિભક્તો, કાર્યકરો, બાળકો-બાલિકાઓ, યુવક-યુવતીઓ તેમજ ભાઈ-બહેનો જોડાયા હતા. સ્વયંસેવકો દ્વારા શહેરના વિવિધ જાહેર સ્થળોએ સામૂહિક સ્વચ્છતા સેવા હાથ ધરવામાં આવ્યું હતું. આ અભિયાન અંતર્ગત ધાર્મિક સ્થળો, હોસ્પિટલો, બસ સ્ટેશન, શાળાઓ, જાહેર માર્ગો, બાગ-બગીચા તથા કોમન પ્લોટ સહિતના વિસ્તારોમાં સફાઈ કામગીરી કરવામાં આવી હતી. આ અભિયાનનો મુખ્ય હેતુ નાગરિકોમાં સ્વચ્છતા પ્રત્યે જાગૃતિ વધારવા, લોક ભાગીદારીને પ્રોત્સાહન આપવા અને સામાજિક જવાબદારીની ભાવનાને વધુ મજબૂત બનાવવાનો છે. BAPS ભરૂચ મંદિરના પૂજ્ય કોઠારી સ્વામી અનિર્દેશદાસજીએ જણાવ્યું હતું કે, “સ્વચ્છતા માત્ર એક દિવસનું અભિયાન નથી, પરંતુ સ્વસ્થ અને સુંદર સમાજના નિર્માણ માટેની આપણી સૌની સામૂહિક જવાબદારી છે.” તેમણે ભરૂચવાસીઓને ‘મારું ભરૂચ, સ્વચ્છ ભરૂચ, સ્વસ્થ ભરૂચ, ગ્રીન ભરૂચ’ના સંકલ્પને સાકાર કરવા આ સેવાયજ્ઞમાં સહભાગી બનવા અપીલ કરી હતી.