/connect-gujarat/media/media_files/2025/07/14/etihad-airways-2025-07-14-15-29-50.jpg)
અબુ ધાબી સ્થિત એતિહાદ એરવેઝે તેના પાઇલટ્સને બોઇંગ 787 વિમાનમાં ફ્યુઅલ કંટ્રોલ સ્વીચો ચલાવતી વખતે 'સાવધાની' રાખવા સૂચનાઓ જારી કરી છે, તેમજ તેમના લોકીંગ મિકેનિઝમનું નિરીક્ષણ કરવાનો આદેશ આપ્યો છે. 12 જૂને અમદાવાદમાં એર ઇન્ડિયાના વિમાન દુર્ઘટનાનો પ્રાથમિક તપાસ અહેવાલ બહાર આવ્યા બાદ આ સૂચનાઓ જારી કરવામાં આવી છે. વિમાન દુર્ઘટનાના પ્રાથમિક તપાસ અહેવાલમાં જાણવા મળ્યું છે કે ટેકઓફ પછી તરત જ વિમાનના બંને ફ્યુઅલ સ્વીચો 'રન' થી 'કટઓફ' સ્થિતિમાં ખસી ગયા હતા.
મીડિયા અહેવાલો અનુસાર, દક્ષિણ કોરિયા પણ હવે સાવચેતીના પગલાં લેવા જઈ રહ્યું છે. દક્ષિણ કોરિયા બોઇંગ વિમાન ચલાવતી તેની તમામ એરલાઇન્સને ફ્યુઅલ કંટ્રોલ સ્વીચો તપાસવાનો આદેશ આપવાની તૈયારી કરી રહ્યું છે. એતિહાદ એરવેઝ દ્વારા પાઇલટ્સને આપવામાં આવેલ આદેશ અને દક્ષિણ કોરિયા દ્વારા તેની એરલાઇન્સ માટે સમાન પગલા લેવાની યોજના યુએસ ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશન (FAA) અને બોઇંગની સૂચના પછી આવી છે. FAA અને બોઇંગ સૂચનામાં કહેવામાં આવ્યું છે કે 787 સહિત તેના વિમાનોના ફ્યુઅલ કંટ્રોલ સ્વીચો અસુરક્ષિત નથી.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, એતિહાદ એરવેઝે 12 જુલાઈના રોજ એક બુલેટિન જારી કર્યું હતું, જે દિવસે એર ઈન્ડિયા વિમાન દુર્ઘટના તપાસ રિપોર્ટ બહાર પાડવામાં આવ્યો હતો. બુલેટિનમાં પાઈલટોને "તેમની આસપાસના વિસ્તારમાં ફ્યુઅલ કંટ્રોલ સ્વીચ અથવા અન્ય કોઈપણ સ્વીચ/કંટ્રોલ ચલાવતી વખતે સાવધાની રાખવા" કહેવામાં આવ્યું હતું. એરલાઈને કહ્યું હતું કે આ પગલું "પૂરતી સાવધાની" તરીકે લેવામાં આવી રહ્યું છે.
12 જૂનના રોજ ગુજરાતના અમદાવાદમાં એર ઈન્ડિયાનું બોઈંગ 787 વિમાન ક્રેશ થયું હતું. આ અકસ્માતમાં કુલ 260 લોકોનાં મોત થયા હતા. વિમાનમાં સવાર 242 લોકોમાંથી ફક્ત એક જ વ્યક્તિ બચી શક્યો હતો. એરક્રાફ્ટ એક્સિડેન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો (AAIB) દ્વારા જાહેર કરાયેલા પ્રાથમિક અહેવાલમાં ઘણા મહત્વપૂર્ણ ખુલાસા થયા છે. રિપોર્ટમાં જણાવાયું છે કે અકસ્માતનું કારણ એન્જિનમાં ઈંધણ 'કટ ઓફ' હતું.
રિપોર્ટમાં કોકપીટ વોઈસ રેકોર્ડરમાં એન્જિન બંધ થવા અંગે પાઈલટ અને કો-પાઈલટ વચ્ચે થયેલી વાતચીતનો સમાવેશ થાય છે. રિપોર્ટ અનુસાર, પાઈલટ સુમિત સભરવાલે તેમના કો-પાઈલટ ક્લાઈવ કુંદરને પૂછ્યું - તમે એન્જિનનું ઈંધણ કેમ બંધ કર્યું? આના જવાબમાં, કો-પાયલોટ ક્લાઇવ કુંદરે કહ્યું, મેં નથી કર્યું. આવી સ્થિતિમાં, આ સંભવિત ટેકનિકલ ખામી હોઈ શકે છે.
AAIB ના 15 પાનાના અહેવાલમાં ખુલાસો થયો છે કે ટેકઓફ કર્યા પછી થોડીક સેકન્ડોમાં વિમાનના બંને એન્જિન અચાનક આપમેળે બંધ થઈ ગયા, જેના કારણે વિમાન ક્રેશ થયું. વિમાને 180 નોટની મહત્તમ દર્શાવેલ એરસ્પીડ પ્રાપ્ત કર્યા પછી તરત જ, એન્જિન-1 અને એન્જિન-2 ના ફ્યુઅલ 'કટઓફ' સ્વીચો (જે એન્જિનને ઇંધણ મોકલે છે) 'રન' થી 'કટઓફ' સ્થિતિમાં ખસેડવામાં આવ્યા. ઇંધણ બંધ થતાં, બંને એન્જિનના N-1 અને N-2 ની ગતિ ઝડપથી ઘટવા લાગી.