વિદેશમાં પણ ગણેશ ચતુર્થીના પર્વની ઉજવણી
ગુજરાતીઓએ વિદેશમાં શ્રીજીની સ્થાપના કરી
લંડનમાં રહેતા ગુજરાતીઓએ મનાવ્યો તહેવાર
શોભાયાત્રા અને ગરબા સહિતના કાર્યક્રમો યોજાયા
સ્વદેશમાં વસતા પરિજનોને પાઠવી શુભકામના
ભારત દેશમાં ઉજવાતા પરંપરાગત તહેવારો માત્ર સ્વદેશ પૂરતા સીમિત રહ્યા નથી. પરંતુ વિદેશમાં સ્થાયી થયેલા ગુજરાતીઓ દ્વારા ગણેશ ચતુર્થીના પર્વની ઉજવણી કરીને દેશના સંસ્કાર અને સંસ્કૃતિને જાળવી રાખી છે.
ગણેશ ચતુર્થીના તહેવારની સૌકોઈ આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા, ત્યારે આજે ગણેશ ચતુર્થીના પાવન પર્વ એવા ગણેશોત્સવની સમગ્ર દેશમાં ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે. તેવામાં સ્વદેશ જ નહીં વિદેશમાં પણ ગણેશ ચતુર્થીના પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે. વિદેશમાં રહેતા ગુજરાતીઓએ ગણેશોત્સવ નિમિત્તે શ્રીજીની સ્થાપના કરી છે. મૂળ ભરૂચ જિલ્લાના જંબુસરના અને હાલ યુનાઇટેડ કિંગડમ લંડન ખાતે રહેતા મિત પ્રજાપતિ સહીત તેમના ગ્રુપ દ્વારા ગણેશજીની સ્થાપના સાથે ગરબે ઘૂમી સ્વદેશમાં વસતા પોતાના પરિવારજનોને શુભેચ્છાઓ પાઠવી હતી.
તો બીજી તરફ, લંડનમાં સ્થાયી થયેલા અંકલેશ્વરના ભૂમિલ મોદી, અને જૈમિશ ચૌહાણ તેમજ લંડનના લેસ્ટર શહેરમાં રહેતા મયંક સગર સહિત સોમનાથ મહાદેવ ગ્રુપના સભ્યોએ પણ ગણેશ ચતુર્થીની ભવ્ય ઉજવણી કરી છે. જેમાં સૌપ્રથમ વિદેશની શેરીઓમાં વાજતે ગાજતે ગણેશજીની ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી. ત્યારબાદ શ્રીજીની પ્રતિમાનું સ્થાપન કરી શાસ્ત્રોક્ત વિધિ અનુસાર પૂજન-અર્ચન કરવામાં આવ્યું હતું. ભગવાનની આરતી બાદ સૌ ઉપસ્થિત શ્રીજીભક્તોને પ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ સાથે જ સ્વદેશમાં વસતા પોતાના પરિવારજનોને ગણેશોત્સવના પાવન પર્વની શુભકામનાઓ પાઠવી હતી.