પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં શનિવારે એક મિની ટ્રક રસ્તા પરથી ખાડામાં પડી જતાં ૫ બાળકો સહિત એક પરિવારના 13 લોકોના મોત થયા હતા. અધિકારીઓએ જણાવ્યું કે આ ભયાનક માર્ગ અકસ્માતમાં અન્ય નવ લોકો ઘાયલ થયા છે. રેસ્ક્યુ 1122 અનુસાર, વાહન ખૈબર પખ્તુનખ્વા પ્રાંતના બન્નુ જિલ્લામાંથી પંજાબના ખુશાબ જિલ્લા તરફ આવી રહ્યું હતું ત્યારે આ અકસ્માત થયો હતો.
લાહોરથી લગભગ 250 કિલોમીટર દૂર ખુશાબના પેંચ પીર વિસ્તારમાં એક વળાંક પર મિની ટ્રક રસ્તા પરથી ખાડામાં પડી ગઈ હતી. એક અધિકારીએ જણાવ્યું હતું કે, "પાંચ બાળકો સહિત 13 લોકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા. નવ ઘાયલોને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે, જ્યાં તેમની સ્થિતિ નાજુક હોવાનું કહેવાય છે. બચાવ અધિકારીઓએ જણાવ્યું કે મૃતકો અને ઈજાગ્રસ્તો એક મોટા પરિવારના છે જેઓ મજૂરી કામ માટે ખુશાબ આવી રહ્યા હતા. કેટલાક પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, વધુ ઝડપને કારણે ડ્રાઈવરે વાહન પરનો કાબૂ ગુમાવ્યો હતો. પંજાબના મુખ્યમંત્રી મરિયમ નવાઝે અકસ્માતમાં જાનહાનિ પર શોક વ્યક્ત કર્યો હતો અને અધિકારીઓને ઘાયલોને શ્રેષ્ઠ સારવારની સુવિધા આપવાનો નિર્દેશ આપ્યો હતો.