/connect-gujarat/media/media_files/2025/05/13/vjIipuyIH3Em47L6bh9w.jpg)
ચીન સાથે ચાલી રહેલ ટ્રેડ વોર વચ્ચે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ માટે આ એક મોટી જીત માનવામાં આવી રહી છે.
વ્હાઇટ હાઉસે 11 મેના રોજ એક નિવેદનમાં ચીન સાથે ટ્રેડ ડીલની જાહેરાત કરી હતી. જોકે, વ્હાઇટ હાઉસે તેની વિગતો આપી નથી. ચીનના નાયબ વડાપ્રધાન હી લાઇફેંગે જણાવ્યું કે જીનીવામાં સોમવારે એક સંયુક્ત નિવેદન જારી કરવામાં આવશે. તેમજ, નાયબ વાણિજ્ય મંત્રી લી ચેંગગેંગે કહ્યું કે આ વિશ્વ માટે સારા સમાચાર હશે.
યુએસ અધિકારીઓએ તેને વેપાર ખાધ ઘટાડવા માટેની એક ડીલ ગણાવી, જ્યારે ચીનના અધિકારીઓએ કહ્યું કે બંને પક્ષો વચ્ચે એક મહત્વપૂર્ણ સંમતિ થઈ છે અને એક નવી આર્થિક વાટાઘાટો શરૂ કરવા માટે સંમતિ થઈ છે.
ગયા મહિને ટ્રમ્પે ચીની માલ પર 145% ટેરિફ લાદ્યો હતો, જેના બદલામાં ચીને પણ અમેરિકન માલ પર 125% સુધીનો ટેરિફ લાદ્યો હતો. જેના કારણે વિશ્વની બે સૌથી મોટી અર્થવ્યવસ્થાઓ વચ્ચેનો વાર્ષિક 600 અબજ ડોલરનો વેપાર લગભગ બંધ થઈ ગયો હતો.
યુએસ ટ્રેડ રિપ્રેઝન્ટેટિવ જેમીસન ગ્રીરે પત્રકારોને જણાવ્યું, બંને પક્ષો ખૂબ જ ઝડપથી કરાર પર પહોંચવામાં સફળ રહ્યા, જે દર્શાવે છે કે કદાચ મતભેદ એટલા વધુ નહોતા જેટલા પહેલા વિચારવામાં આવી રહ્યા હતા.
જોકે, અમેરિકા અને ચીન બંનેએ 145% યુએસ ટેરિફ અને 125% ચીની ટેરિફ ઘટાડવા અંગે કોઈ કરારનો ઉલ્લેખ કર્યો નથી.
એક અઠવાડિયા પહેલા, ટ્રમ્પે સંકેત આપ્યા હતા કે તેઓ ચીન પર લાદવામાં આવેલા ટેરિફ ઘટાડી શકે છે. તેમણે સ્વીકાર્યું કે વર્તમાન ટેરિફ દર એટલા વધુ છે કે વિશ્વના બે સૌથી મોટા અર્થતંત્રોએ એકબીજા સાથે વેપાર કરવાનું બંધ કરી દીધું છે
ટ્રમ્પે NBC પર એક શોમાં કહ્યું હતું કે હું ગમે ત્યારે ચીન પરનો ટેક્સ ઘટાડીશ, કારણ કે જો આમ કરવામાં નહીં આવે તો તેમની સાથે વેપાર કરવાનું શક્ય બનશે નહીં અને તેઓ વેપાર કરવા માંગે છે.
ટ્રમ્પે સંકેત આપ્યા કે ચીનનું અર્થતંત્ર હાલમાં મુશ્કેલીમાં છે. ત્યાં ફેક્ટરી કામગીરી 2023 પછી સૌથી ખરાબ સ્થિતિમાં છે. એક્સપોર્ટના ઓર્ડરમાં પણ નોંધપાત્ર ઘટાડો થયો છે.
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સત્તા સંભાળ્યા પછી આ બેઠક અમેરિકા અને ચીનના વરિષ્ઠ આર્થિક અધિકારીઓ વચ્ચેની પ્રથમ સામ-સામે વાતચીત હતી. ટ્રમ્પે પદ સંભાળતા જ આખી દુનિયામાં ટેરિફ વોર શરૂ થઈ ગયું હતું. તેમણે યુનાઇટેડ સ્ટેટ્સમાં ફેન્ટાનિલ સંકટને નેશનલ ઈમરજન્સી જાહેર કરી અને ફેબ્રુઆરીમાં ચીનના માલ પર 20% ટેરિફ લાદ્યો.
પછી એપ્રિલમાં, ટ્રમ્પે ચીની ઈમ્પોર્ટ પર 34% રેસિપ્રોકલ ટેરિફ લાદ્યો. ત્યારબાદના અનેક ટેરિફના કારણે ટેરિફ દર ત્રણ આંકડામાં પહોંચી ગયા, જેના કારણે લગભગ 600 અબજ ડોલરનો દ્વિપક્ષીય વેપાર લગભગ ઠપ્પ થઈ ગયો છે. ટ્રમ્પે શુક્રવારે કહ્યું હતું કે ચીની માલ પર 80% ટેરિફ યથાવત રહેશે. આ પહેલી વાર હતું જ્યારે ટ્રમ્પે સંભવિત કાપનો સંકેત આપ્યા હતા.