અંકલેશ્વરમાં AIA ઇન્ડસ્ટ્રીયલ એક્ઝિબિશનમાં 300 ઉપરાંત ઉદ્યોગો ભાગ લેશે

New Update
અંકલેશ્વરમાં AIA ઇન્ડસ્ટ્રીયલ એક્ઝિબિશનમાં 300 ઉપરાંત ઉદ્યોગો ભાગ લેશે

અંકલેશ્વર જીઆઈડીસીનાં સ્પોર્ટસ કોમ્પલેક્ષ ખાતે AIA મેગા ઇન્ડસ્ટ્રીયલ એક્સ્પો - 2018નું આયોજન કરવામાં આવ્યુ છે. જેનું ઉદ્દઘાટન તારીખ 9મી જાન્યુઆરી મંગળવારનાં રોજ સવારે 10 કલાકે કરવામાં આવશે.

અંકલેશ્વર ઉદ્યોગ મંડળ દ્વારા સહયોગી સંસ્થાઓનાં સહયોગ થી આયોજીત સાતમાં AIA મેગા ઇન્ડસ્ટ્રીયલ એક્ઝિબિશનનું ઉદ્દઘાટન રાજ્ય સરકારનાં સહકાર મંત્રી ઈશ્વરસિંહ પટેલનાં હસ્તે કરવામાં આવશે, અને આ પ્રસંગે અતિથિ વિશેષ તરીકે GIDCનાં ચીફ એન્જીનિયર બી.સી.વારલી, તથા ગુજરાત ગેસ લી. અંકલેશ્વરનાં ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર નીતિન પાટીલ ઉપસ્થિત રહેશે.

ત્રિદિવસીય આ મેગા એક્ઝિબિશનની રાજ્યભર માંથી 50000 થી પણ વધુ સંખ્યામાં મુલાકાતીઓ મુલાકાત લેશે તેવો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે.

આ અંગે યોજાયેલ પત્રકાર પરિષદમાં માહિતી આપતા એક્સ્પોનાં પ્રોજેક્ટ ચેરમેન પ્રવીણ તેરૈયાએ જણાવ્યુ હતુ કે એક્સ્પોમાં સરકારી ક્ષેત્રની MSME, NSIC, ઇન્ડિયન રેલવે, ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઓટોમીક એનર્જી સહિત ફાર્માસ્યુટિકલ્સ, કેમિકલ્સ, પેટ્રોકેમિકલ્સ, એગ્રિકલચર, પેસ્ટિસાઇડ્સ, ઓઇલ એન્ડ લુબ્રિકેન્ટ એન્જીનિયરીંગ, ટુલ્સ એન્ડ મશીનરી, પ્રોસેસ કંટ્રોલ ઇકવીપમેન્ટ્સ, પોલ્યુશન કંટ્રોલ ઇકવીપમેન્ટ્સ, ઇલેક્ટ્રિકલ એન્ડ ઇલેક્ટ્રોનિકસ ઓટોમેશન એન્ડ ઇન્સ્ટ્રુમેન્ટસ, પાવર એન્ડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર સહિતનાં ઉદ્યોગો ભાગ લેશે.

પત્રકાર પરિષદ દરમિયાન અંકલેશ્વર ઉદ્યોગ મંડળનાં પ્રમુખ મહેશ પટેલ, ઉપપ્રમુખ ઇકબાલ નાથાણી, ખજાનચી નટુભાઈ પટેલ, જોઈન્ટ સેક્રેટરી જયંતીભાઈ ડોબરીયા, હરેશ પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

Latest Stories