/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2020/09/03172151/maxresdefault-35.jpg)
અમદાવાદમા અલગ અલગ યુનિવર્સિટીની બોગસ માર્કશીટ બનાવવાના કૌભાંડમાં વસ્ત્રાપુર પોલીસે 2 આરોપીની ધરપકડ કરી છે. જેમાં લોકો પાસેથી બન્ને આરોપીઓ લાખો રૂપિયા પડાવી બોગસ માર્કશીટ બનાવી આપતા હતા, ત્યારે બાતમીના આધારે પોલીસે છટકું ગોઠવી બન્ને આરોપીઓને ઝડપી લીધા હતા.
અમદાવાદ શહેરની વસ્ત્રાપુર પોલીસના સંકજામાં જોવા મળતા બન્ને આરોપીઓને શોર્ટકટથી રૂપિયા કમાવવું ભારે પડ્યું છે. બન્ને આરોપીઓ લાખ્ખો રૂપિયાના બદલામાં મદ્રાસ યુનિવર્સિટી સહિત અન્ય યુનિવર્સિટીના બોગસ સર્ટિફિકેટ અને માર્કશીટ બનાવી આપતા હતા, ત્યારે બાતમી મળતા પોલીસે જાતે જ છટકું ગોઢવી પ્રજેશ જાની અને કલ્પેશ પાઠક નામના 2 આરોપીની ધરપકડ કરી બોગસ માર્કશીટ સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.
સમગ્ર કૌભાંડનો માસ્ટર માઈન્ડ બોડકદેવ વિસ્તારમાં રહેતો પ્રજેશ જાની હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે. દહેગામનો વતની કલ્પેશ પાઠક ગ્રાહકો શોધી લાવી તેઓનો સંપર્ક પ્રજેસ જાની સાથે કરાવતો હતો. જેમાં અલગ અલગ કોર્ષની જે તે યુનિવર્સિટીની બોગસ માર્કશીટ અને સર્ટિફિકેટ બનાવી આપવામાં આવતા હતા. જોકે પોલીસે ગોઠવેલા છટકામાં આરોપીઓને મદ્રાસ યુનિવર્સિટીની માર્કશીટ બનાવી આપવા માટે કહ્યું હતું. જેના બદલામાં આરોપીએ 3 લાખ રૂપિયાની માંગણી કરી હતી. હાલ પોલીસે બન્ને આરોપીઓની ધરપકડ કરી માર્કશીટ તેમજ સર્ટિફિકેટના પ્રિંટિંગ સહિતની બાબતો અંગે વધુ તપાસ હાથ ધરી છે.