અમદાવાદ રેલવે સ્ટેશન પર અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશન દ્વારા સોમવારથી મુસાફરોના કોરોના ટેસ્ટિંગની કામગીરી હાથ ધરાઇ હતી. જેમાં દિવસ દરમિયાન અમદાવાદ સ્ટેશન ખાતે આવેલી 3 ટ્રેનોના 1,872 મુસાફરોના 'રેપિડ એન્ટિજન ટેસ્ટિંગ' ની કામગીરી સ્ટેશન પરિસરમાં જ મોટો સામિયાણો બાંધીને કરવામાં આવી હતી.
અમદાવાદ શહેરમાં ફરી કોરોનાના વધતા જતા કેસોને ધ્યાને લઇને હવે મ્યુનિસિપલ તંત્ર કોરોના સંક્રમણના તમામ સંભવિત સ્થળો પર રેપિડ ટેસ્ટિંગની કામગીરી કરી રહ્યું છે. એસ.ટી.બસોના મુસાફરોનું ટેસ્ટિંગ હાથ ધરાયા બાદ હવે ટ્રેનોમાં આવતા મુસાફરોનું પણ ટેસ્ટિંગ કરવાનું નક્કી કરાયું છે. તેના ભાગરૂપે અમદાવાદ કાલુપુર રેલવે સ્ટેશન પર રેપિડ ટેસ્ટ કરવામાં આવી રહયા છે. અહીં મોટી સંખ્યામાં મેડિકલ ટીમ કાર્યરત કરવામાં આવી છે. સ્પેશિયલ ટ્રેનમાં આવેલા 530 મુસાફરોના રેપિડ એન્ટિજન ટેસ્ટિંગ કરાવાયું હતું. જેમાંથી પણ 4 મુસાફરો પોઝિટિવ મળી આવ્યા હતા. તમામ મુસાફરોને જરૂરી સારવાર માટે કોવિડ-કેર સેન્ટર અને કોવિડ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. અને સાથેના મુસાફરોને કોરેનટાઇન કરવામાં આવ્યા હતાં. આમ અમદાવાદમાં આવતા દરેક મુસાફરોને હવે ફરજીયાત કોરોના ટેસ્ટ કરાવવા પડશે. દેશભરમાં કોરોનાના કેસ રેકોર્ડબ્રેક રીતે વધી રહ્યા છે. બીજી બાજુ હવે તબક્કાવાર ટ્રેનો પણ ચાલુ થઇ રહી છે. તે સ્થિતિમાં અન્ય રાજ્યમાંથી આવતા મુસાફરો દ્વારા શહેરમાં ફેલાતું કોરોનાનું સંક્રમણ રોકી શકાય તે માટે આ કાર્યવાહી કરવામાં આવી રહી છે.