/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2018/06/Amit-Shah-1.jpg)
ભારતીય જનતા પાર્ટી સાથેના સંબંધોમાં ઉતાર ચડાવ વચ્ચે શિવસેનાએ આગામી વિધાનસભાની ચૂંટણીને લઈને મોટી માંગણી કરી છે. શિવસેનાએ આગામી વિધાનસભા માટે ૧૫૨ બેઠકોની માંગણી કરી છે. શિવસેના ૨૮૮ બેઠકોમાંથી તે ભાજપ માટે ૩૬ બેઠકો જ છોડવા માંગે છે. શિવસેનાની આ માંગણી પાછળ આડકતરી રીતે મુખ્યમંત્રી પદ પર પણ દાવો કરવાનું છે.
શિવસેનાનો આ નિર્ણય ઉદ્ધવ ઠાકરેની એ યોજનાનો ભાગ છે, જેને અંતર્ગત તેઓ રાજ્યમાં મુખ્યમંત્રી પોતાની પાર્ટીમાંથી ઈચ્છે છે. જોકે ભાજપની યોજના માતોશ્રીને પહેલી પ્રાથમિકતા આપવાની નથી.
જોકે કેટલાક સૂત્રોનું એવું પણ કહેવું છે કે, શિવસેના ૨૦૧૪ની લોકસભાની ચૂંટણીમાં કરવામાં આવેલી બેઠકોની ફાળવણીની જેમ જ ૨૦૧૯માં પણ ચૂંટણીમાં ઝંપલાવી શકે છે. આમ લોકસભામાં પોતાની તાકાત અજમાવ્યા બાદ શિવસેના વિધાનસભાની ચૂંટણીમાં એકલા હાથે મેદાને પડી શકે છે.
ભાજપ અધ્યક્ષ અમિત શાહ તાજેતરમાં જ શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેને તેમના નિવાસસ્થાન માતોશ્રી પર મળ્યાં હતાં. અહીં શિવસેના પ્રમુખે આગામી વિધાનસભાની ચૂંટણીમાં અમિત શાહ સમક્ષ ૧૫૩ બેઠકોનો પ્રસ્તાવ રજુ કર્યો હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. આ પ્રસ્તાવ પર અમિત શાહે ઉદ્ધવ ઠાકરેને જણાવ્યું છે કે, તેઓ ફરી એકવાર આ મામલે મુલાકાત કરશે અને ત્યાર બાદ બેઠકોની ફાળવણી પર કોઈ નક્કર ફોર્મ્યુલા પર પહોંચી શકાશે.
- ભાજપ ૧૩૦થી વધારે બેઠકો આપવાના મૂડમાં નહીં
પાર્ટી સૂત્રોના જણાવ્યા પ્રમાણે વિધાનસભામાં ભાજપ શિવસેનાને 130 થી વધારે બેઠકો આપવાના મૂડમાં નથી. તે શિવસેનાને 130 બેઠકો ઓફર કરી શકે છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે ભાજપ અધ્યક્ષ અમિત શાહે તો પાર્ટીના સાંસદો, ધારાસભ્યો અને નેતાઓને લોકસભા અને વિધાનસભામાં એકલા હાથે મેદાનમાં ઉતરવા માટે તૈયાર રહેવાનું પણ કહી દીધું છે.
- ઉદ્ધવ ઠાકરેની અમીત શાહને સ્પષ્ટ વાત
શિવસેનાના એક નેતાએ કહ્યું છે કે, ઉદ્ધવ ઠાકરેએ ૧૫૨ બેઠકોનો ફોર્મ્યુલા મહારાષ્ટ્રમાં પાર્ટીની તાકાત વધારવા માટે આપ્યો છે. ઉદ્ધવ ઠાકરેએ અમિત શાહને સ્પષ્ટ કહી દીધું છે કે, વિધાનસભાની ચૂંટણીમાં ગઠબંધનમાં ત્યારે જ ચૂંટણી લડવી શક્ય છે, જ્યારે ભાજપ શિવસેનાને ૧૫૨ બેઠકો આપવા તૈયાર થાય. બેઠકોની ફાળવણીને લઈને ઉભા થયેલા વિવાદ બાદ ભાજપ અને શિવસેના ૨૦૧૪માં સ્વતંત્ર રીતે ચૂંટણી લડ્યાં હતાં અને ત્યાર બાદ ફરી ગઠબંધન રચી સરકાર બનાવી હતી.