"કોરોનાનો કહેર આગની આફત " જુઓ વિશેષ અહેવાલ

New Update
"કોરોનાનો કહેર આગની આફત " જુઓ વિશેષ અહેવાલ

મહારાષ્ટ્રમાં એક તરફ કોરોના હાહાકાર મચાવી રહયો છે તેવામાં મુંબઇના ભાડુંપ વિસ્તાર આવેલી કોવીડ હોસ્પિટલમાં આગનો બનાવ બન્યો છે. આગની આ ઘટનામાં અત્યાર સુધીમાં 10 જેટલા દર્દીઓ જીવ ગુમાવી ચુકયાં છે. ફાયર બ્રિગેડ બચાવ અને રાહત કામગીરી ચાલી રહયું છે. ત્યારે અમારૂ આજનું વિેશેષ બુલેટીન હોસ્પિટલોમાં લાગતી આગ સાથે સંલગ્ન છે. હું જય વ્યાસ આપ સૌનું સ્વાગત કરૂ છું...

ગુજરાત બાદ હવે પાડોશી રાજય મહારાષ્ટ્રમાં પણ કોવીડ હોસ્પિટલમાં આગની ઘટના સામે આવી છે. મુંબઇના ભાંડુપ વિસ્તારમાં આવેલા એક મોલના ત્રીજા માળે આવેલી કોવિડ હોસ્પિટલમાં આગ લાગી હતી. આ દુર્ઘટનામાં 10 લોકોનાં મૃત્યુ નીપજ્યાં છે. જો કે, હોસ્પિટલમાં દાખલ 70 દર્દીઓને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા. તેઓને બીજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ઘટના સ્થળે 22 ફાયર બ્રિગેડ દ્વારા આગ પર કાબૂ મેળવવાના પ્રયાસ હાથ ધરવામાં આવ્યા છે. 13 કલાકની ભારે જહેમત બાદ પણ આગ પર કાબૂ મેળવી શકાયો નથી, રાહત અને બચાવ કાર્ય હજુ પણ ચાલુ છે. મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે પણ ઘટનાસ્થળે પહોંચ્યાં હતાં.


ગુજરાત રાજયની વાત કરવામાં આવે તો રાજયમાં અત્યાર સુધીમાં ત્રણ હોસ્પિટલોમાં આગના બનાવો છતાં સરકાર જવાબદારો સામે નકકર કાર્યવાહી કરવાના બદલે માત્ર વળતર ચુકવીને અને રાજકીય નેતાઓ સાંત્વના પાઠવીને માનવીના મૃત્યુની કિમંત લગાવી રહયાં છે…………..


સુરતના તક્ષશિલા કોમ્પલેકસમાં લાગેલી આગમાં 22 વિદ્યાર્થીઓના મોત બાદ સફાળી જાગેલી રાજય સરકારે ફાયર સેફટીના કાયદાને કડક બનાવી દીધો હતો. મહિનાઓ સુધી નગરપાલિકાઓ તથા મહાનગરપાલિકાઓએ ફાયર સેફટીની તપાસના નામે ડીંડક ચલાવ્યું, ફાયર સેફટી નહી રાખનારાઓને દંડ ફટકારી અથવા મિલકત સીલ કરી અધિકારીઓ અને કર્મચારીઓએ જાણે વાઘ માર્યો હોય તેવો સંતોષ માણી લીધો. પણ રાજયમાં હજી કેટલીય હોસ્પિટલો જીવતા બોંબ સમાન છે. રાજયમાં એક તરફ કોવીડના દર્દીઓની સંખ્યા વધી રહી છે તેવામાં હોસ્પિટલોમાં ફાયર સેફટી હોવી જરૂરી છે.

ગુજરાતમાં ફાયરસેફટીનો કાયદો હોવા છતાં કેટલીય હોસ્પિટલોના સંચાલકોએ નિયમોનું પાલન કર્યું નથી. જયારે હોસ્પિટલમાં આગની ઘટના બને છે ત્યારે તેઓ નાણાની રેલમછેલ કરી મામલામાં ઢાંકપિછોડો કરવાનો પ્રયાસ કરતાં હોય છે..

હવે નજર કરીશું રાજયની હોસ્પિટલોમાં બનેલી આગની ઘટનાઓ પર ઓગષ્ટ મહિનામાં અમદાવાદના નવરંગપુરામાં આવેલી કોવિડ-19 શ્રેય હોસ્પિટલમાં આગ લાગતાં કોરોનાની સારવાર લઇ રહેલાં 8 દર્દીઓ જીવતા ભુંજાય ગયાં હતાં. ત્યાર બાદ વડોદરાની સયાજી હોસ્પિટલના આઇસીયુ વોર્ડમાં આગ લાગતાં 150 જેટલા દર્દીઓને ગોત્રીની હોસ્પિટલમાં ખસેડવાની ફરજ પડી હતી. સરકાર અને વહીવટીતંત્ર ઘોડા છુટી ગયા પછી તબેલાને તાળા મારવા જેવું કામ કરી રહી છે. જયારે પણ આગની ઘટના બને ત્યારે તપાસના આદેશ આપવામાં આવે છે, નેતાઓ ટવીટ કરી ઘટના અંગે ખેદ વ્યકત કરે છે અને સરકાર માનવીની જીંદગીની કિમંત લગાવી વળતરની જાહેરાત કરે છે. આ બધું હવે સામાન્ય બની ગયું છે. દર્દની સાચી કિમંત તો જેણે સ્વજન ગુમાવ્યો છે તે જ જાણી શકે તેમ છે. અત્યાર સુધીમાં ત્રણ હોસ્પિટલોમાં આગની ઘટના બની ચુકી છે વધુ કોઇ હોસ્પિટલમાં આગ લાગે અને દર્દીઓ જીવ ગુમાવે તે પહેલાં સરકાર બેદરકારો સામે દાખલો બેસે તેવી કાર્યવાહી કરે તે જરૂરી છે.

ગયા વર્ષે 21 નવેમ્બરના રોજ ગ્વાલિયરની સૌથી મોટી હોસ્પિટલ જયારોગ્યના કોવિડ સેન્ટરના ICUમાં આગ લાગી હતી. ત્યાં દાખલ 9 દર્દીઓમાંથી 2 દર્દીઓને સામાન્ય ઇજા થઈ હતી. આગ લાગવાના કારણે અફરા તફરીમાં 2 દર્દીઓના મૃત્યુ થયા હતા. એક વેન્ટિલેટર પણ આગમાં સળગી ગયું હતુ. જયારે ગયા વર્ષે 9 ઓગસ્ટના રોજ આંધ્રપ્રદેશના વિજયવાડામાં એક હોટલમાં લાગેલી આગમાં 10 લોકોનાં મૃત્યુ થયા હતા. હોટેલનો ઉપયોગ કોવિડ-19 સેન્ટર તરીકે કરવામાં આવી રહ્યો હતો. ઘટનાસમયે અહીં 40 દર્દીઓ સારવાર લઈ રહ્યા હતા. મેડિકલ સ્ટાફના 10 લોકો પણ હતા.

સામાન્ય રીતે કોવીડ હોસ્પિટલોમાં વેન્ટીલેટર્સ તથા ઓકિસજનનો મહત્તમ ઉપયોગ થતો હોય છે ત્યારે વાયરિંગ તથા ફાયર સેફટી બાબતે રાખવામાં આવતી થોડી બેદરકારી દર્દીઓના મોત માટે જવાબદાર બની છે. કોવીડ હોસ્પિટલોમાં ફાયર સેફટી અંગે પુરતાં પગલાં ભરાયાં છે કે નહિ તે જોવાની જવાબદારી તંત્રની હોય છે પણ સ્થળ તપાસ કર્યા વિના એનઓસી આપી દેવાતી હોય છે. કોરોનાથી પિડીતા દર્દીઓ એક તરફ જીંદગી અને મોત સામે ઝઝુમતાં હોય છે તેવામાં હવે તેમના માથે આગનો ખતરો પણ મંડરાય રહયો છે. આવા જ રસપ્રદ બુલેટીન સાથે તમારી સમક્ષ ઉપસ્થિત થતાં રહીશું. ત્યાં સુધી મને રજા આપશો અને આપ જોડાયેલાં રહો કનેકટ ગુજરાત સાથે....



Latest Stories