ગુજરાત પ્રદુષિત નિયંત્રણ બોર્ડની બેધારી નિતિથી ઉદ્યોગ આલમ લાલઘૂમ

New Update
ગુજરાત પ્રદુષિત નિયંત્રણ બોર્ડની બેધારી નિતિથી ઉદ્યોગ આલમ લાલઘૂમ

કેટલીક કંપનીઓ ચાર મહિનાથી બંધ તો કેટલીકને ચાર દિવસમાં જ મંજૂરી

અંકલેશ્વરના એક સ્થાનિક અધિકારીની “પ્રદુષિત” નિતિ હાલ ચર્ચાની એરણે

અધિકારીની સામે પડનારા ઉદ્યોગોને સત્તાની ચાબુક વીઝી ચુપ કરી દેવાઇ છે

ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડ પ્રદુષણના મુદે તો ચર્ચામાં રહે છે પણ હવે બેધારી નિતિના કારણે વિવાદમાં સપડાયું છે. જીપીસીબીની બેધારી નિતિના કારણે કેટલીક કંપનીઓ ચાર મહિનાથી બંધ હાલતમાં છે જયારે માનીતી કંપનીઓને ચાર દિવસમાં જ મંજૂરી મળી રહી છે. અંકલેશ્વરના એક સ્થાનિક અધિકારીની પ્રદુષિત નિતિથી સ્થાનિક ઉદ્યોગકારો ત્રાહિમામ પોકારી ઉઠયાં છે. મનસ્વી વલણ અને પ્રકૃતિ ધરાવતાં આ અધિકારી સામે પડનાર ઉદ્યોગોના અવાજને સત્તાની ચાબુક વીઝી ચુપ કરી દેવામાં આવતાં હોવાની વ્યાપક ફરિયાદો ઉઠી છે.

દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉદ્યોગો માટે લાલ જાજમ પાથરી રહયાં છે તો બીજી તરફ જીપીસીબીના કેટલાક અધિકારીઓ ઉદ્યોગકારોની હેરાનગતિમાં કોઇ કસર બાકી રાખી રહયાં નથી. ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડ ની વહાલા દવલાની નીતિના પ્રતાપે કેટલીક કંપનીઓ ચાર મહિનાથી બંધ તો કેટલીક માત્ર ચાર દિવસમાં જ ખુલી જતી હોવાની બુમો ઉઠી છે. ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડ સ્થાપના ગુજરાત પ્રદુષણ ઉપર નિયંત્રણ લાવવા માટે કરવામાં આવી હતી પરંતુ હાલ પોતાની પ્રદુષિત નીતિઓના કારણે ખુદ ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડ ના અમુક અધિકારીઓ સમાજમાં ભેદભાવનું પ્રદુષણ ફેલાવી પોતાનો એકકો ખરો કરવામાં લાગી ગયાં છે.

ગુજરાતના સૌથી વિકસિત ઔદ્યોગિક વિસ્તાર એટલે કે અંકલેશ્વરમાં ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડના એક સ્થાનિક અધિકારી ગાંધીનગર સ્થિત વડી કચેરીના કેટલાક નામચીન અધિકારીઓના મેળાપીપણામાં ઉદ્યોગો સાથે પોતાની મનમાની કરી રહ્યાં છે. અંકલેશ્વરના આ અધિકારી પોતાની વહાલી કંપનીઓ ને કોઈ પણ કારણસર ગમે તેટલું પ્રદુષણ ફેલાવે કોઈ પગલાં લેતા નથી અને જો પ્રજા વિરોધ કરે તો ફક્ત નામ પૂરતા પગલાં ભરી તેને બચાવી લે છે. ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડની આ બેધારી નીતિના કારણે ઉદ્યોગોની પરિસ્થિતિ કથળતી જાય છે. કારણ કે કેટલીક કંપનીઓ તો પાંચ- પાંચ મહિનાથી બંધ છે જયારે કેટલીક કંપનીઓ પૈસાના જોરે અથવા રાજકીય દબાણ ના કારણે ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડના સકંજામાંથી છૂટી જાય છે. નાના માણસને દંડ અને મોટાને પકવાનની નીતિ સાથે ચાલતા અંકલેશ્વરના આ અધિકારીનો હાલ ઉદ્યોગ મંડળ પણ વિરોધ કરી રહ્યું છે. પરંતુ જે ઉદ્યોગપતિ આ અધિકારીની ખોટી નીતિઓનો વિરોધ કરે છે તેની કંપનીને ટાર્ગેટ કરવામાં આવે છે અને તેને એન કેન પ્રકારે બંધ કરવામાં આવે છે. અવાજ ઉઠાવનારાઓના અવાજને સત્તાનો દુરઉપયોગ કરી દબાવી દેવાનો હીન પ્રયાસ થઇ રહયો છે. ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડના અધ્યક્ષ પણ આંખે બાંધેલા પાટા હટાવી સ્થાનિક અધિકારીની આખી રાજરમતને ઉઘાડી પાડી સ્થાનિક ઉદ્યોગોની વહારે આવે તેવી લોક માંગ ઉઠી છે. પરંતુ મળતી માહિતી ને સાચી ગણીએ તો હાલમાં ઉચ્ય અધિકારીઓ સરકારના બીજા કામોમાં વ્યસ્ત હોય આ સ્થાનિક અધિકારીએ પોતાની મન માની આરંભી છે. સમાજના અગ્રણીઓ અને અવાર નવાર ઉદ્યોગોને પડતી તકલીફોમાં પોતે પહોંચી જઈ મદદ કરનારાઓને હાલ અંકલેશ્વર ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડના આ સંકુચિત માનસિકતા ધરાવતા અધિકારીએ રીતસરના ટાર્ગેટ બનાવ્યા છે. જો કે કેટલાક માથાભારે અને ઉદ્યોગોને બદનામ કરનારા તત્વો સામે લાલ આંખ કરી આ અધિકારીએ ઉચ્ય અધિકારીઓ અને પ્રજામાં સારી છબી પણ બનાવી છે. ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડની વળી કચેરીમાં હાલમાં જ સભ્ય સચિવપદે આવેલા અત્યંત નિર્મળ છબી ધરાવતા અધિકારી માટે અંકલેશ્વરના આ અધિકારી મોટી મુસીબતો ઉભી કરે તેમ સ્પષ્ટ જોવા મળી રહ્યું છે. વળી કચેરી આ અધિકારી દ્વારા કરવામાં આવતા ખોટા રિપોર્ટિંગ પર ફરી વિચારણા કરી તટસ્થ અધિકારીઓ પાસે ઉદ્યોગોનું ફરી રિપોર્ટિંગ કરાવે તો દુધનું દુધ અને પાણીનું પાણી થઇ જશે. એક અધિકારીના કારણે ખરડાયેલી જીપીસીબીની છબી પણ ઉજળી બનશે.

Latest Stories