ભૂકંપનું કેન્દ્રબિંદુ જમીનના પેટાળમાં 10 કિ.મી નીચે હોવાનું સત્તાધીશોએ જણાવ્યું
જાપાનના ઓસાકામાં આજે 5.9ની તીવ્રતા સાથેનો શક્તિશાળી ભૂકંપ અનુભવાયો હતો. ભૂકંપના પગલે ત્રણ લોકોનાં મોત તેમજ 200થી વધુ લોકોને ઈજા થઈ હોવાના અહેવાલ પ્રાપ્ત થયા છે. ઓસાકા ખાતે સવારે ૮ કલાકે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. જોકે ભૂકંપને પગલે સુનામીનો કોઈ ખતરો નથી તેમ જાપાનીઝ મીટીયોરોલોજીકલ એજન્સીએ જણાવ્યું હતું. ભૂકંપનું કેન્દ્રબિંદુ જમીનના પેટાળમાં 10 કિ.મી નીચે હોવાનું સત્તાધીશોએ જણાવ્યું હતું.
ભૂકંપના કારણે વીજ પુરવઠો ખોરવાતાં રેલ સેવા પણ પ્રભાવિત થઈ હતી. સ્થાનિક પોલીસના જણાવ્યા મુજબ તેમને કોઈ મોટી નુકસાનીના રિપોર્ટ મળ્યા નથી. ન્યુકલીયર રેગ્યુલેશન ઓથોરિટીએ પણ તેમની સાઈટ પર કોઈ અસામાન્ય સ્થિતિ જણાતી નથી તેમ જણાવ્યું હતું. ભૂકંપને પગલે શાળાઓએ સલામતિ માટે વિદ્યાર્થીઓને ખુલ્લા મેદાનમાં બેસાડ્યા હતા.
જાપાનના વડાપ્રધાન શિન્ઝો આબેએ જણાવ્યું હતું કે, ‘સરકાર સંયુક્ત રીતે કામ કરી રહી છે અને તેમની પ્રાથમિકતા લોકોનો જીવ બચાવવાની છે. જાનમાલના નુકસાનની વિગતો મેળવવા માટે તંત્રને આદેશ કરવામાં આવ્યો છે.’