/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2020/09/21172926/maxresdefault-268.jpg)
જુનાગઢ મહાનગરપાલિકાના અધિકારીઓ અને પદાધિકારીઓની ગાડીઓનો દુરુપયોગ થતો હોવાની ફરિયાદના આક્ષેપ સાથે જનતા ગેરેજ દ્વારા અધિકારી અને પદાધિકારીઓના વાહનમાં આ ગાડી જનતાના પૈસે ફરે છે તેવા સ્ટીકર લગાડવામાં આવતા મામલો ગરમાયો છે.
જુનાગઢ મહાનગર પાલિકાના વાહનો પર આ ગાડી પ્રજાના પૈસાથી ફરે છે તેવા સ્ટિકર લગતા ચર્ચાએ ભારે જોર પકડ્યું છે. થોડા દિવસ પહેલા મહાનગરપાલિકાનું સરકારી વાહન અધિકારીની પત્નીને મુકવા જતા હોવાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા બાદ જનતા ગેરેજ દ્વારા આજે અનોખો વિરોધ કરવામાં આવ્યો હતો. જેમાં મેયર, કમિશનર, કાર્યપાલક ઇજનેર તેમજ શાસક પક્ષના નેતા સહિતનાઓની ગાડીમાં આ ગાડી જનતાના પૈસા ફરે છે તેવા સ્ટીકર જનતા ગેરેજના સામાજિક કાર્યકરો દ્વારા લગાવવામાં આવ્યા હતા. બાદમાં સમગ્ર મામલાની કમિશનરને જાણ થતાં કમિશનરે કાર્યકરોને બોલાવી તેઓ સાથે ગરમાગરમી ભરી ચર્ચા કરી હતી.
સમગ્ર મામલે કમિશનરે જણાવ્યું હતું કે, લોકોને જે કોઈ ફરિયાદ હોય તે લેખિતમાં આપે, અમે તપાસ કરી યોગ્ય કાર્યવાહી કરીશું. પરંતુ સ્ટીકર લગાડી તમો મીડિયામાં હાઈલાઈટ થવા માટેનું સ્ટંટ કરો છો તે બંધ કરો. સ્ટીકર તુરંત જ કાઢી નાખો કહેતા જનતા ગેરેજના સભ્યોએ સ્ટીકર કાઢી નાખ્યા હતા અને કમિશનરે આપેલી બાંયધરી પર જણાવ્યું હતું કે લેખિત ફરિયાદ આપીશું અને જો કાર્યવાહી નહીં થાય તો ફરી પાછા સ્ટીકર લગાવીશું, જો કે હાલ પુરતો મામલો થાળે પડયો છે.